નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કહ્યું હતું કે સંસદસભ્યો અને અન્યો માટે સંસદની કેન્ટીનમાં પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો હવે મોંઘા થશે, કેમ કે ખાદ્ય ચીજવસ્તુઓ પર આપવામાં આવતી સબસિડી હવે દૂર કરવામાં આવી છે. હવે સંસદની કેન્ટીન ઉત્તરીય રેલવેને બદલે આઇટીડીસી દ્વારા ચલાવવામાં આવશે. આ ઉપરાંત બજેટ સત્રના પ્રારંભ પહેલાં સંસદના તમામ સભ્યોએ કોવિડ-19ના ટેસ્ટ કરાવવો જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.
દર વર્ષે સંસદની કેન્ટીન પર વાર્ષિક રૂ. 17 કરોડની સબસિડી આપવામાં આવતી હતી. સંસદની કેન્ટીનમાં ચિકન કરી રૂ. 50 અને વેજ થાળી રૂ. 35માં પીરસવામાં આવતી હતી. જ્યારે થ્રી કોર્સ લન્ચની કિંમત આશરે રૂ. 106માં આપવામાં આવતી હતી, જ્યારે પ્લેન ઢોંસા સંસદસભ્યોને રૂ. 12માં મળતા હતા.
29 જાન્યુઆરીથી બજેટ સેશનનો પ્રારંભ થશે . રાજ્યસભાનો સમય સવારે નવ કલાકથી બપોરે બે કલાક સુધી, જ્યારે લોકસભાનું સત્ર બપોરે ચાર કલાકથી નવ કલાક સુધી યોજાશે, એમ તેમણે કહ્યું હતું.
આગામી બજેટ સત્રમાં પણ કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ જરૂરી બેઠક-વ્યવસ્થા કરવામાં આવશે.