મિચોંગ વાવાઝોડાથી ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિઃ બેનાં મોત

ચેન્નઈઃ વાવાઝોડા મિચોંગે ખતરનાક રૂપ ધારણ કર્યું છે, જેનો કહેર ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારતે વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયાં છે. એરપોર્ટ પણ ડૂબ્યું છે. ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ છે. કનાથૂરમાં દીવાલ પડવાથી બે લોકોનાં મોત થયાં છે.

 

વાસ્તવમાં આ વાવાઝોડું પાંચ ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના સમુદ્રકિનારે ટકરાવાની સંભાવના છે. રાજ્યમાં સતત વરસાદને કારણે શહેરના નીચલા અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનના કર્મચારીઓ શહેરમાં ઠેકઠેકાણે ભરાયેલાં પાણીને કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે.

વાવાઝોડા મિચૌંગને લીધે ચેન્નઈ અને આસપાસના વિસ્તારો ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુરમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મગરમચ્છ રસ્તો ક્રોસ કરી રહ્યો છે. આ વિડિયો જોયા પછી સ્થાનિક લોકો દહેશતમાં છે. વાવાઝોડાને કારણે રેલવે અને અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા એમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. સમુદ્ર કિનારાથી લાગેલી 144 ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે.METએ જણાવ્યું હતું કે વાવાઝોડું બંગાળની ખાડીથી ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના સમુદી કિનારા પર પહોંચ્યા પછી વાવાઝોડું ફરીથી ફંટાઈને ઉત્તર તરફ વધવાની આશંકા છે. આ સાથે પાંચ ડિસેમ્બરે એ મોટું વાવાઝોડાનું રૂપ ધારણ કરીને આંધ પ્રદેશના તટે ટકરાવાની શક્યતા છે.