નવી દિલ્હીઃ 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો મામલે કોર્ટે આજે 34 વર્ષ બાદ આરોપીને મોતની સજા ફટકારી છે. પટિયાલા હાઉસ કોર્ટ 1984 શીખ વિરોધી રમખાણ સાથે જોડાયેલાં હત્યાના કેસમાં બે દોષીતોને સજા સંભળાવી છે. આ કેસમાં ગુનેગાર સાબિત થયેલ યશપાલ સિંહને ફાંસીની સજા જ્યારે નરેશ સેહરાવતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. SIT દ્વારા દાખલ કરવામાં આવેલાં 5 મામલામાં આ પહેલો કેસ છે જેમાં ચૂકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું કે 1984માં જે કંઈ થયું તે ઘણું જ બર્બર હતું.સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જજ અજય પાંડેએ કોર્ટ રૂમની બદલે પોતાનો ચૂકાદો પટિયાલા હાઉસ કોર્ટના લોકઅપમાં સંભળાવ્યો હતો. સજા અંગે દલિલ દરમિયાન પીડિતોના વકિલે દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી, જ્યારે બચાવ પક્ષ તરફથી માફીની માંગ કરાઈ હતી.
નોંધનીય છે કે, ગત સુનાવણી બાદ બે દોષિતોમાંથી એક પર કોર્ટ રૂમની બહાર નીકળતાં જ અકાલી નેતા મનજિંદર સિંહ સિરસાએ હુમલો કરી દીધો હતો. જે બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં પણ ભારે હોબાળો અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
એસઆઈટીએ ગત સપ્તાહે એડિશનલ સેશન જજ અજય પાંડે સમક્ષ સજાની દલીલ દરમિયાન કહ્યું હતું કે, દોષિતોનો ગુનો ગંભીર પ્રકારનો છે, જેને પૂર્વ તૈયારી કરીને આ ધટનાને અંજામ આપવામાં આવ્યો હતો, માટે હત્યાના ગુના હેઠળ તેમને વધુમાં વધુ સજાના ભાગરૂપે ફાંસી આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે, મૃતક હરદેવ સિંહના ભાઈ સંતોખ સિંહે કોર્ટમાં દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસે પુરાવાના અભાવે 1994માં આ કેસ બંધ કરી દીધો હતો, ત્યાર બાદ રમખાણોની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ આ કેસને ફરી ઓપન કર્યો હતો.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઘણા શહેરોમાં રણખાણો થયાં હતાં. આ દરમિયાન સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં 1 નવેમ્બર 1984ના રોજ બે શીખ યુવકોની હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પીડિત હરદેવ સિંહની ઉંમર 24 વર્ષની અને અવતાર સિંહની ઉંમર 26 વર્ષની હતી.
શીખ રમખાણના 34 વર્ષ પછી 14 નવેમ્બરનાં રોજ પહેલી વખત બે લોકોને દોષી જાહેર કર્યાં હતાં. એડિશનલ સેશન જજ અજય પાંડેએ 130 પેજના પોતાના નિર્ણયમાં નરેશ સેહરાવત અને યશપાલ સિંહને હત્યાના દોષી જાહેર કર્યાં હતાં. વર્ષ 2015માં કેન્દ્ર સરકારના નિર્દેશ પર સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેશન ટીમ (SIT) બન્યાં બાદથી પહેલો એવો આ કેસ છે જે ત્રણ વર્ષમાં જ કોઈ પરિણામ સુધી પહોંચ્યો છે.