નવી દિલ્હીઃ લોકડાઉન 3.0 આજથી શરૂ થઈ ચૂક્યું છે. કોરોના વાઈરસ મહાબીમારીના કેસોની સંખ્યાને હિસાબે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ હિસાબે ઘણા જિલ્લાઓને રાહત આપવામાં આવી છે. આકરી શરતો સાથે સરકારે આ દરમિયાન મોટી રાહતો આપી છે. ગ્રીન ઝોનવાળા 319 જિલ્લા રાહતના શ્વાસ લેશે, જ્યારે ઓરેન્જ અને રેડ ઝોનમાં પણ કેટલીક રાહતો આપવામાં આવી છે. જોકે ઘણાં રાજ્યોએ સૌથી વધુ સંક્રમિત શહેરોને સંપૂર્ણ લૉકડાઉનમાં રાખ્યાં છે. દેશના કુલ 733 જિલ્લામાંથી 82 ટકા જિલ્લા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે, ત્યાં આજથી વેપાર-ધંધા, ઉદ્યોગો ધીમે-ધીમે વધવાનું શરૂ થશે.
કેન્દ્ર સરકારે દેશભરમાં 319 જિલ્લાને કોરોના ફ્રી માની એમને ગ્રીન ઝોન બનાવ્યા છે. જ્યારે 284 જિલ્લાઓમાં કોરોનાનું સામાન્ય જોખમ છે અને આ ઓરેન્જ ઝોન છે. જોકે 130 જિલ્લા એવા છે, જ્યાં કોરોનાનાં કેસ વધુ છે, એને રેડ ઝોન તરીકે ગણાવવામાં આવ્યા છે.
રેડ ઝોનમાં શું ખૂલશે?
લોકડાઉન-3 દરમ્યાન સાઇકલ રિક્શા, ઓટોરિક્શા, ટેક્સી અને કેબ પર પ્રતિબંધ, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યુટિ પાર્લર પર પણ પ્રતિબંધ છે.
રાહત
સ્પેશિયલ ઇકોનોમિત ઝોન, નિકાસ કરતી કંપનીઓ, ઔદ્યોગિક એસ્ટેટ અને ઔદ્યોગિક ટાઉનશિપ સહિત શહેરી ક્ષેત્રોમાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રિયલમાં નિયંત્રણ સાથે કામકાજને મંજૂરી.
શહેરી ક્ષેત્રોમાં બાંધકામ પ્રવૃત્તિને શરતી મંજૂરી – શ્રમિકોને બહાર નહીં નીકળવા દેવાય.
મોલ્સ-બજારોને ખોલવા નહીં દેવાય.
એકલદોકલ દુકાનો ખોલી શકાય છે અને અહીં વેચાણમાં આવશ્યક અને બિન-આવશ્યક ચીજવસ્તુઓનો ભેદભાવ નહીં રહે.
રેડ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે ઈ-કોમર્સ કામકાજને મંજૂરી.
ખાનગી ઓફિસો એક તૃતિયાંશ કર્મચારીઓ સાથે ખોલી શકાય. બધી સરકારી ઓફિસોમાં ઉપ સચિવ સ્તરની ઉપરના અધિકારીઓ કામ કરશે અને બાકી કર્મચારીઓમાં એક તૃતીયાંશ કર્મચારીઓ ઓફિસ આવશે.
ઓરેન્જ ઝોનમાં કેટલી રાહત?
ઓરેન્જ ઝોનના 284 જિલ્લાઓને પણ લોકડાઉન 3.0માં રાહત મળી છે. અહીં દારૂ, પાનની દુકાનો ખૂલશે. હેર કટિંગ સલૂન, સ્પા ખોલવા માટે મંજૂરી, મેડિકલ ક્લિનિક અને ઓપીડી સર્વિસ શરૂ કરી શકાશે. ઓટો રિક્ષા, ટેક્સીમાં બે મુસાફરોને સાથે પ્રવાસ કરવાની મંજૂરી. ઇન્ડસ્ટ્રી, ઈ-કોમર્સ સર્વિસ, ખેતીથી જોડાયેલાં કામ અને બેન્કથી જોડાયેલાં કામને મંજૂરી અપાઈ છે.
ગ્રીન ઝોનમાં આટલી રાહત
બધી શિક્ષણ સંસ્થાઓ, કોલેજ, સ્કૂલ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે, માત્ર ઓનલાઇન ટીચિંગની મંજૂરી છે.
બધા પ્રકારની હોટલ બંધ, જેને મંજૂરી મળી છે, એ ખૂલી રહી શકશે.
તમામ પ્રકારના સમારોહના આયોજન પર પ્રતિબંધ,
બધા પ્રકારનાં ધાર્મિક સ્થળો બંધ રહેશે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 144 કલમ લાગુ. સાંજે સાત વાગ્યાથી સવારે સાત સુધી પ્રતિબંધ લાગુ રહેશે.
મેડિકલ તપાસ સિવાય સિનિયર સિટિઝન અને 10 વર્ષની નીચેનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓને બહાર નીકળવાની મનાઈ રહેશે.
રેડ ઝોનના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં હોસ્પિટલો અને ક્લિનિકના ઓપીડી બંધ રહેશે, રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં મંજૂરી લઈને ખુલ્લાં રહી શકશે.