નવી દિલ્હી- જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશમાં ઈલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલે ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) પર લાગતા જીએસટી દરમાં ઘટાડાને મંજૂરી આપી દીધી છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને લઇને આ પ્રકારના વાહનોની ખરીદી કરવા ઇચ્છતાં ગ્રાહકો ઝડપથી આવું વેહિકલ ખરીદી શકશે અને એ રીતે ઉદ્યોગને બૂસ્ટઅપ મળવાના સંજોગો ઊભાં થશે.
નાણાં મંત્રાલય અનુસાર, જીએસટી કાઉન્સિલે ઈલેક્ટ્રિક વ્હિકલ પર જીએસટીના દરને 12 ટકાએથી ઘટાડીને 5 ટકા કરી નાંખ્યો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જર પર લાગતા ટેક્સ દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ચાર્જર પર 18 ટકાનો જીએસટી દર ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
મહત્વનું છે કે, કાઉન્સિલે સ્થાનિક ઓથોરિટી તરફથી ખરીદવામાં આવતા ઈલેક્ટ્રિક વાહનો પર જીસટીમાંથી છૂટ આપી દીધી છે. આ સુધારા સાથેના જીએસટી દર આગામી 1 ઓગસ્ટ 2019થી અમલી બનશે. ઈલેક્ટ્રિક બસ ભાડા પર લેવા પર સ્થાનિક એકમોને જીએસટીથી છૂટ મળશે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ઈ-વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.