શ્રીનગર – નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા અને જમ્મુ-કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લાએ આજે સનસનાટીભર્યો દાવો કરતા એવો આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર એમને મારી નાખવા માગે છે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે એમને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે.
દરમિયાન, ફારુકના પુત્ર ઉમર અબ્દુલ્લાને પણ મેહબૂબા મુફ્તિ જેવા અન્ય અગ્રગણ્ય કશ્મીરી નેતાઓની સાથે નજરકેદ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદબાતલ કરવાનો નિર્ણય લીધો એ પહેલાંથી જ આ નેતાઓને નજરકેદમાં મૂકી દેવામાં આવ્યા હતા.
આજે લોકસભામાં, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ડો. ફારુક અબ્દુલ્લાની ન તો ધરપકડ કરવામાં આવી છે કે ન તો એમને નજરકેદ કરાયા છે. એ તો એમની મરજીથી એમના ઘરમાં રહે છે.
ફારુક અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી હોવાનો કેટલાક વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યા બાદ અમિત શાહે ઉપર મુજબ નિવેદન કર્યું હતું.
ફારુક અબ્દુલ્લા આજે અહીં પત્રકારો સમક્ષ હાજર થયા હતા અને કહ્યું કે મને નજરકેદ કરાયો નથી એમ કહીને અમિત શાહ જુઠું બોલી રહ્યા છે. મને મારા ઘરની બહાર નીકળવા દેવામાં આવતો નથી.
કલમ 370ને રદ કરવાના સરકારના નિર્ણય અંગે અબ્દુલ્લાએ કહ્યું કે સરકારના નિર્ણય ગેરબંધારણીય છે. આ તો મોદી સરકારની તાનાશાહી છે. અમે ક્યારેય ભારતથી અલગ થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. અમે એવું ઈચ્છતા નથી, પરંતુ અમારો મોભો, સમ્માન તમે છીનવી ન શકો, અમે કંઈ ગુલામ નથી. સરકારનો નિર્ણય લોકતાંત્રિક નથી. મને ખબર નથી કે કેટલા જણની ધરપકડ કરવામાં આવી છે. કોઈને પણ બહાર જવા દેવામાં આવતા નથી, અમે નજરકેદ હેઠળ છીએ.