નવી દિલ્હી– ભારતીય વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ સોમવાર (3 જૂને) આસામના જોરહાટથી ગૂમ થઈ ગયું. જેને 48 કલાક જેટલો સમય વીતવા છતાં પણ હજુ જાણકારી નથી મળી. આ ઘટના પછી એ સવાલ ફરી એકવાર ઉભો થયો છે, જે ફ્લાઈંગ લેફ્ટનેન્ટ કુણાલ બારપટ્ટેના પરિવારજનોએ 3 વર્ષ પહેલા પૂર્વ સંરક્ષણપ્રધાન સ્વર્ગસ્થ મનોહર પાર્રિકરને પૂછ્યો હતો. તેમણે પાર્રિકરને પૂછ્યું હતું કે, શું તમે 30 વર્ષ જૂની કાર ચલાવો છો?
મહત્વનું છે કે, 2016માં પણ એક AN-32 વિમાન લાપતા થઈ ગયું હતું. એ વિમાનમાં ફ્લાઈટ લેફ્ટનેન્ટ કુણાલ બારપટ્ટે સહિત 29 લોકો સવાર હતાં. ઘણી શોધખોળ પછી ભારતીય વાયુ સેનાએ તમામ 29 લોકોને મૃત જાહેર કર્યા હતાં.
દર સપ્તાહે ચેન્નઈથી પોર્ટ બ્લેયર માટે ઉડાન ભરનારા ભારતીય વાયુ સેનાનું AN-32 એરક્રાફ્ટ 22 જૂલાઈ 2016ની સવારે ગુમ થયું હતું. 27 વર્ષીય ફ્લાઈટ લેફ્ટનેન્ટ કુણાલ બારપટ્ટે આ વિમાનમાં ફ્લાઈટ નેવિગેટર હતાં. વાયુસેનાએ બંગાળની ખાડીમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમા નેવી અને કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ આ વિમાનમાં સવાર 29 લોકોની કોઈ ભાળ મળી નહતી. પૂણેના પિંપરી ચિંચવડ વિસ્તારના નિગડીના રહેવાસી કુણાલ બારપટ્ટે ભારતીય વાયુસેનાના દક્ષિણી એર કમાન્ડ હેઠળ આવતી 33 સ્ક્વાડ્રનના નેવિગેટિંગ ઓફિસર હતાં.
કુણાલના પિતા રાજેન્દ્ર બારપટ્ટે (62)નું કહેવું છે કે, તેમણે 1980ના દાયકામાં ભારતીય વાયુસેનામાં સામેલ રશિયા નિર્મિત વિમાનોની ઉંમર અંગે જાણકારી માગી હતી, પરંતુ અત્યાર સુધી તેમના સવાલોના જવાબ નથી મળ્યાં. તો 26 ઓગસ્ટ 2016ના રોજ બારપટ્ટે પરિવારને ભારતીય વાયુ સેનાના સહાયક ઉપ-પ્રમુખ કાર્યાલય તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં કુણાલનું નિધન જાહેર કરવાની મંજૂરી માગવામાં આવી હતી. રાજેન્દ્ર અને તેમની પત્ની સહિત 6 એન્ય એર ફોર્સ ઓફિસરો, જે AN-32નો શિકાર બન્યા હતા તેમના પરિવારજનોએ આ પત્ર પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કર્યો હતો.
15 સપ્ટેમ્બર 2016ના રોજ AN-32માં સવાર તમામ 29 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જો કે, ભારતીય વાયુસેનાએ સ્પષ્ટતા કરી હતી કે, આ પત્ર પ્રશાસનિક પ્રક્રિયાનો એક ભાગ છે, અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ રહેશે.
કુણાલના પિતા રાજેન્દ્ર પીણેની કેન્દ્રીય માર્ગ પરિવહન સંસ્થામાંથી નિવૃત એન્જિનિયર છે. તેમનું કહેવું હતું કે, ભારતીય વાયુ સેના છેલ્લાં 35 વર્ષથી એક જ પ્રકારના વિમાનનો ઉપયોગ કરી રહી છે. તેમનો દાવો છે કે, ખરાબ વિમાનોને સર્વિસ પરથી હટાવી દેવાયા છે, પરંતુ આ વિમાનોમાં થયેલી દુર્ઘટનાઓ અને તેમાં ગુમાવેલી કિંમતી જિંદગીઓ માટે જવાબદાર કોણ? રાજેન્દ્રએ જણાવ્યું કે, જ્યારે અમારી મુલાકાત પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર સાથે થઈ ત્યારે અમે તેમને પુછ્યું હતું કે, શું તમે 30 વર્ષ જૂની કાર ચલાવો છો? જો નહીં તો આ વિમાનને સતત ઉડાવીને લોકોના કિંમતી જીવન ખતરામાં શા માટે નાખી રહ્યાં છો?
રાજેન્દ્ર બારપટ્ટેએ જણાવ્યું કે, 2016માં થયેલી ઘટના પછી અમે ભારતીય વાયુસેનાને અનેક સવાલો પૂછ્યા હતાં. આ સવાલો આ પ્રકારે હતાં. એરક્રાફ્ટની સાથે હકીકતમાં શું થયું હતું? પ્લેનની ઓવરઓલ કન્ડિશન કેવી હતી? રડાર તરફથી સ્પષ્ટ સંકેત મળ્યા પછી શું બચાવ ઝૂંબેશ શરુ કરવામાં વિલંબ થયો? શું ઈમરજન્સી લોકેટર બેકન ફેઈલ થઈ ગયું હતું? ભારતીય વાયુસેનાએ થોડા મહિનાઓ પછી આ સવાલોના જવાબો આપ્યા, પરંતુ આ જવાબોથી અમે સંતુષ્ટ નહતાં.
આ મામલે અમને એક ઈમેલ પણ મળ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તમે અમારા જવાબોથી સંતુષ્ટ છો? એનો અર્થ એમ હતો કે, તેઓ જાણવા માગતાં હતાં કે, અમે સવાલો પૂછવાનું ક્યારે બંધ કરીશું? સોમવારે વધુ એક AN-32 એરક્રાફ્ટ લાપતા થયા બાદ હું આ મુદ્રાને ફરી ઉઠાવવા માગુ છું. રાજકારણીઓ અને લશ્કરી નેતાઓએ આ પ્રશ્નોના જવાબ આપવા પડશે.