નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે કહ્યું કે કોવિડ-19 રસી આવતા વર્ષના આરંભ સુધીમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. સરકાર કોરોના વાઈરસ માટે અત્યંત-જોખમ ધરાવતા વિસ્તારોમાં રસીને તાકીદે ઉપલબ્ધ કરાવવા વિચારે છે.
હર્ષવર્ધને એમ પણ કહ્યું કે જો રસીની સુરક્ષિતતા અંગે લોકોને કોઈ પ્રકારની ચિંતા હશે તો એનો પહેલો ડોઝ પોતે લેશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિવેદન અનુસાર, હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં કોરોના રસી લોન્ચ કરવા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એ 2021ના પ્રથમ ત્રિમાસિક સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. જેમને સૌથી વધારે જરૂર હશે એમને તે રસી પહેલા આપવામાં આવશે, પછી ભલે એ લોકોમાં એ માટેના પૈસા ચૂકવવાની ક્ષમતા હોય કે ન હોય.
ડો. હર્ષવર્ધને ‘સન્ડે સંવાદ’ નામે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. ત્યાં એ લોકોના સવાલોના જવાબ આપે છે. એમાં તેમણે કોવિડ-19 તથા કોરોના રસી અંગેના સવાલોના જવાબ આપ્યા હતા.
સરકાર કોરોના રસીના માનવ પરીક્ષણ માટે તમામ પ્રકારની સાવચેતી લઈ રહી છે અને નીતિ આયોગના સદસ્ય ડો. વી.કે. પૌલની અધ્યક્ષતામાં કોવિડ-19ની રસી માટે એક રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહની રચના પણ કરવામાં આવી છે. આ સમૂહ નક્કી કરશે કે વધુમાં વધુ લોકોને કોરોના રસી આપવામાં આવે. તે ઉપરાંત રસીની સુરક્ષા, એની કિંમત વગેરે બાબતો ઉપર પણ સઘન ચર્ચા કરવામાં આવી રહી છે.