નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસની બે રસી – કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે દેશની ડ્રગ્સ રેગ્યૂલેટર એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ગઈ 3 જાન્યુઆરીએ મંજૂરી આપી દીધી છે. હવે લોકોને આ રસી આપવાની કામગીરી 13 જાન્યુઆરીથી શરૂ કરી શકાશે. આખરી નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આજે અહીં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે કોવિડ-19 રસીને મંજૂરી આપવામાં આવ્યાની તારીખથી 10-દિવસની અંદર સામુહિક રસીકરણ ઝુંબેશનો આરંભ કરી શકાશે. કોરોના રસીના ‘ડ્રાય રન’ (મોક ડ્રિલ)ના મળેલા ફીડબેકના આધારે ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની તારીખથી 10-દિવસની અંદર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવા માટે અમે તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીને નિયંત્રિત રીતે ઈમરજન્સી ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે. દુનિયામાં કોરોના મહાબીમારીના કેસની સંખ્યાની દ્રષ્ટિએ અમેરિકા બાદ ભારત બીજા નંબરે હોવાથી રસીકરણ 13 જાન્યુઆરીથી શરૂ કરી શકવાની જાહેરાત રાહત આપનારી છે. આ રસી પહેલા એક કરોડ જેટલા આરોગ્ય કર્મચારીઓને અપાશે, તેમની સાથે બે કરોડ જેટલા આગળ પડતા કર્મચારીઓ-સ્વયંસેવકોને, 27 કરોડ જેટલા વયસ્ક નાગરિકો (50 વર્ષથી વધુના અને કો-મોર્બિડિટીવાળા હોય, એટલે કે એવા લોકો જેમને અગાઉથી જ શરીરમાં ટીબી, ડાયાબિટીસ કે હૃદય જેવી બીમારીઓ હોય) એવા લોકોને આ રસી પહેલા આપવામાં આવશે.