આસામમાં ભારે પૂરથી આઠ લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આસામમાં પૂરને કારણે મોટા પાયે નુકસાન થયું છે. જમુનામુખ જિલ્લાનાં બે ગામોમાં 500થી વધુ પરિવાર રેલવે ટ્રેક પર રહેવા માટે મજબૂર છે. રાજ્યમાં પૂરને કારણે આશરે આઠ લાખ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. બીજી બાજુ દેશનાં કેટલાંય રાજ્યોમાં કાળઝાળ ગરમી અને લૂને કારણે લોકોના હાલ-બેહાલ છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં મહત્તમ હવે 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચ્યું છે. જમુનામુખ જિલ્લાના ચાંગજુરઈ અને પટિયા પાથર ગાવના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તિરપાલની નીચે રહેવા માટે મજબૂર ગ્રામીણોનો દાવો છે કે તેમને છેલ્લા પાંચ દિવસથી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રથી કોઈ મદદ નથી મળી. લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછત થઈ રહી છે. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. રાજ્યના 29 જિલ્લાઓના 2585 ગામોમાં આઠ લાખથી વધુ લોકો કુદરતી હોનારતની ચપેટમાં છે. અત્યાર સુધી પ્રી- મોન્સુન વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 14 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

343 રાહત શિબિરોમાં 86,772 લોકોએ શરણ લીધું છે, જ્યારે અન્ય 411 રાહત શિબિર લોકોની મદદ માટે છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સેના, અર્ધસૈનિક દળોની સાથે-સાથે રાષ્ટ્રીય અને સ્ટેટ ડિઝેસ્ટર રાહત દળોએ હોડી અને હેલિકોપ્ટરો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 21,884 લોકોને સુરક્ષિત કાઢ્યા છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]