નવી દિલ્હી/ઢાકાઃ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપો પર હુમલા તેમજ મૂર્તિઓની તોડફોડના અનેક બનાવો બન્યા છે. એને કારણે ત્યાંની સરકારે 22 જિલ્લાઓમાં પરિસ્થિતિ સંભાળવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દીધા છે. હુમલા અને તેને પગલે ફાટી નીકળેલા રમખાણોના બનાવોમાં ચાર જણના મરણ થયા છે અને બીજા અનેક ઘાયલ થયા છે. આ હુમલા નોઆખલી, ચાંદપુર, કોક્સ બાઝાર, ચટ્ટોગ્રામ, પાબના, કુરીગ્રામ, મૌલવીબાઝાર સહિતના વિસ્તારોમાં થયા છે. જોકે પાટનગર ઢાકા કે બ્રાહ્મનબરિઆ, જાશોર તથા અન્ય કોઈ મોટા શહેરોમાં કોઈ રમખાણ કે તંગદિલી નથી.
નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે ભારતીય સત્તાવાળાઓ આ મામલે ઢાકા સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓના સંપર્કમાં છે. હિંસાના બનાવો દુઃખદ છે. પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે બાંગ્લાદેશ સરકારે લીધેલા ત્વરિત પગલાંની ભારત સરકારે નોંધ લીધી છે.