નવી દિલ્હીઃ ડીઆરડીઓ દ્વારા એક સ્વદેશી એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે કે જેણે પરિક્ષણ દરમિયાન યૂએવીને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું છે. હકીકતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ભારત યાત્રા દરમિયાન તેમની સુરક્ષા માટે પણ આ સિસ્ટમને તેનાત કરવામાં આવશે.
તાજેતરના દિવસોમાં જ ડ્રોનનો ઉપયોગ કરીને નાના હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરીના મામલાઓ સામે આવ્યા છે કે જે 3-4 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે અને સાથે જ આ ખૂબ ઓછી ઉંચાઈ પર પણ ઉડી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડીઆરડીઓ સિસ્ટમે પોતાની કીલિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા ટ્રાયલ દરમિયાન એક ડ્રોનને સફળતાથી નષ્ટ કરી દીધું હતું. કાઉન્ટર ડ્રોન સિસ્ટમમાં ડ્રોનનો ખ્યાલ મેળવવા અને નષ્ટ કરવાની બંન્ને પ્રકારની ક્ષમતા છે. આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડને સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે સૌથી પહેલા ડીઆરડીઓ કાઉન્ટર ડ્રોન સિસ્ટમને તેનાત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો અને વડાપ્રધાન મોદી સહિત અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.
ગુજરાત પોલીસે જણાવ્યું કે, મોદી-ટ્રમ્પ રોડ-શો માટે અમદાવાદમાં સિસ્ટમ તેનાત કરવામાં આવી રહી છે, જ્યાં તેમને ડ્રોનથી કોઈપણ સંકટને નિષ્ફળ બનાવવાનું કામ સોંપવામાં આવે. પ્રાપ્ત વિગતો અનુસાર હથિયારોની તસ્કરી માટે ઘણા ડ્રોનનો ઉપયોગ પંજાબ અને જમ્મૂમાં પાકિસ્તાન સાથે નદીની બોર્ડર પર કરવામાં આવી રહ્યો છે જ્યાં નાના ડ્રોન ઓછી ઉંચાઈ પર ઉડતા હોય છે અને માલ ટ્રાન્સફર કરે છે. તાજેતરના દિવસોમાં સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાનથી આવનારા કેટલાક ડ્રોનને પણ તોડી પાડ્યા હતા.