નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને જ્યારે ભારત પર બદલાની નિયતથી હુમલાનો પ્રયત્ન કર્યો, તો તેને એરફોર્સે નાકામ કરી દીધો હતો. ભારતીય પાયલોટ્સ પાડોશી દેશના જેટ્સને બોર્ડર પાર સુધી ભગાડીને આવ્યા. આ આખા ઘટનાક્રમમાં વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ, પરંતુ કાર્યવાહીને સફળ બનાવવામાં જે લોકોનો હાથ હતો, તેમાં ઘણા નામ અજાણ્યા જ રહી ગયા. આ નામો પૈકી એક મહિલા સ્ક્વોડ્રન લીડર પણ હતી, તેમણે પોતાની સુઝબુઝ અને અસાધારણ સતર્કતાના કારણે હુમલાના નાકામ બનાવવામાં પૂર્ણ સાથ આપ્યો હતો.
સુરક્ષાની દ્રષ્ટીએ ક્યારેય આ નામો સામે નથી આવ્યા, અને આ નામો જાહેર પણ ન જ કરી શકાય, પરંતુ તેમની બહાદુરીનો આદર એરફોર્સ જરુર કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, એરફોર્સના વિશિષ્ટ સેવા મેડલ માટે તેમના નામની ભલામણ કરવામાં આવી છે.
મહિલા સ્ક્વોડ્રન લીડર એરફોર્સમાં ફાઈટર કંટ્રોલરની ભૂમિકામાં છે. અત્યારે પંજાબમાં સ્થિત આઈએએફના એક રડાર કંટ્રોલ સ્ટેશન પર તેમનું પોસ્ટિંગ છે. 27 ફેબ્રુઆરીના રોજ જ્યારે પાકિસ્તાન દ્વારા આશરે 24એફ-16, જેએફ-17એસ અને મિરાજ 5 થી હુમલો કર્યો, તો ફાઈટર કંટ્રોલરે તે તણાવપૂર્ણ માહોલને ખૂબ સારી રીતે સંભાળ્યો અને સતત ભારતીય પાઈલટ્સને પાકિસ્તાની જેટ્સની જાણકારી આપતી રહી.
એરફોર્સને તે દિવસે સવારથી જ ઈનપુટ્સ મળી રહ્યા હતા કે પાકિસ્તાન હુમલાની તૈયારી કરી રહ્યું છે. પછી 9.45 સુધી સ્પષ્ટતા થઈ ગઈ કે પાકિસ્તાની એરફોર્સે પોતાના ફાઈટર જેટ્સને લાઈન ઓફ કંટ્રોલ તરફ મોકલ્યા છે. થોડા જ સમયમાં પીએએફના 4 જેટ્સે રાજૌરીના કલાલ વિસ્તારથી એલઓસી ક્રોસ કરી.
તે સમયે સ્ક્વોડ્રન લીડરે કોઈપણ પ્રકારનો સમય બરબાદ કર્યા વગર કંટ્રોલ રુમથી બે સુખોઈ અને બે મિરાજને એલર્ટ કરી દીધા. જ્યારે જોયું કે પાકિસ્તાન તરફથી અન્ય જેટ્સ પણ આવી રહ્યા છે ત્યારે તેમણે 6 મિગ વિમાનને નજીકના એરબેઝથી ઉડાન ભરવા માટે કહ્યું. કહેવામાં આવે છે કે અચાનક મીગ જેટ્સના આવવાથી પાકિસ્તાની પાઈલટ્સ ચોંકી ગયા હતા. આ પૂર્ણ ઓપરેશનમાં પણ સ્ક્વોડ્રન લીડરનો મહત્વપૂર્ણ રોલ હતો. મહિલા સ્ક્વોડ્રન લીડરે જ પાયલટ્સને જણાવ્યું હતું કે પાકિસ્તાને F-16 થી હુમલો કર્યો છે જેના પર મીડિયમ રેન્જની AIM-120C મિસાઈલ લાગેલી છે.
બંન્ને દેશોના જેટ્સ વચ્ચે થયેલી ડોગફાઈટમાં વિંગ કમાન્ડર અભિનંદને એફ-16 જેટને આર-73 થી તોડી પાડ્યું. જો કે આમાં તે બોર્ડર પાર જતા રહ્યા હતા, જ્યાં તેમના મિગને પાકિસ્તાને તોડી પાડ્યું. અભિનંદનને પાકિસ્તાની સેનાએ બંદી બનાવી લીધા, પરંતુ ભારતીય કૂટનીતિ બાદ તેમણે 1 માર્ચના રોજ અભિનંદનને છોડવા પડ્યા.