ભારતીય સેનાને ‘મોદી કી સેના’ કહી: યોગી આદિત્યનાથને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી – ભારતીય સેનાને ‘મોદી કી સેના’ જેવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ચૂંટણી પંચે ઝપટમાં લીધા છે અને એમને કારણદર્શક નોટિસ મોકલી છે. આ નોટિસનો જવાબ શુક્રવાર સાંજ સુધીમાં જવાબ આપવાનો યોગીને આદેશ આપવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથે આવું નિવેદન આ અઠવાડિયાના આરંભમાં ગાઝિયાબાદમાં એક ચૂંટણી રેલી વખતે કર્યું હતું.

રાજકીય પ્રચારમાંથી સશસ્ત્ર દળોને દૂર રાખવાની ચૂંટણી પંચે આપેલી ચેતવણીનો યોગી આદિત્યનાથે ભંગ કર્યો છે એવું પંચને પ્રાથમિક રીતે જણાયું છે.

યોગીને કારણદર્શક નોટિસ મોકલવાનો નિર્ણય ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટે સુપરત કરેલા એક વિડિયો ક્લિપના આધારે લેવામાં આવ્યો છે. એ વિડિયોમાં આદિત્યનાથે ગયા રવિવારની ચૂંટણી રેલીમાં ઉપર મુજબનું નિવેદન કરતા જોઈ-સાંભળી જોઈ શકાય છે.

આદિત્યનાથે ગયા રવિવારે ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. એમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે એ પાર્ટીએ ત્રાસવાદ અને ત્રાસવાદીઓ પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું હતું.

ગાઝિયાબાદની રેલીમાં આદિત્યનાથે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કે લોગ આતંકવાદીયોં કો બિરયાની ખિલાતે થે ઔર મોદીજી કી સેના આતંકવાદીયોં કો ગોલી ઔર ગોલા દેતી હૈ.’

ગાઝિયાબાદમાં ભાજપે વર્તમાન સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન વી.કે. સિંહને ઉમેદવાર બનાવ્યા છે.

ચૂંટણી પંચે ગઈ 19 માર્ચે રાજકીય પક્ષોને ચેતવણી આપી હતી કે એમણે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે સંરક્ષણ દળોએ લીધેલા પગલાંનો સમાવેશ કરવો નહીં.

નૌકાદળના ભૂતપૂર્વ વડા એડમિરલ એલ. રામદાસે પણ આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા કહ્યું હતું. એમણે કહ્યું કે આદિત્યનાથની કમેન્ટથી દેશના ઘણા નિવૃત્ત તથા વર્તમાન જવાનો અપસેટ થયા છે.