ફટાકડામાંથી આ શીખવા જેવું છે. જીવન ફટાકડા જેવું છે. ફૂટી જાય છે એક ધડાકા સાથે, જાણે જીવનનું અજવાળું ઝબકે છે અને થોડી ક્ષણમાં ઓલવાઈ જાય છે.
શિયાળો આવી ગયો, પણ તડકો જવાનું નામ નથી લેતો. દિવાળી આવી હોય અને રુટિન આપણો પીછો ના છોડે એવો ઘાટ છે.
એક નાનકડો પ્રસંગ છે. આકરા તડકામાં ચાલતો જતો એક માણસ ભારે ભૂખ અને ઉકળાટ અનુભવી રહ્યો હતો. રસ્તામાં એક દુકાન આવે છે. એ આઈસક્રીમની દુકાન છે. એ માણસ એક આઈસક્રીમ ખરીદે છે ને એકદમ ખાવા માંડે છે. અડધો આઈસક્રીમ પૂરો થાય છે ત્યારે એને ખયાલ આવે છે કે આઈસક્રીમ તો હમણાં પૂરો થઈ જશે…
– પણ હવે ભૂખની તીવ્રતા સંતોષાઈ ગઈ છે. એને હવે શાંતિથી આઈસક્રીમ એન્જોય કરવાનું યાદ આવે છે. એ બાકી રહેલો આઈસક્રીમ આનંદથી ખાય છે. એ પોતે આઈસક્રીમ એન્જોય કરી રહ્યો છે એવું ફીલ કરે છે-અનુભવે છે અને એને લીધે અગાઉ જે આઈસક્રીમ ખાધેલો એના કરતાં એ આઈસક્રીમ ખાવાની મજા માણે છે.
આ મજા-આ અનુભૂતિ એ માઈન્ડફુલ લીવિંગની શરૂઆત છે. આપણે જે કરીએ છીએ એ પૂરી તન્મયતાથી કરતા નથી. કોઈ પણ કામનો થાક ત્યારે જ લાગે જ્યારે એ કામ પૂરા ઈન્વોલ્વમેન્ટ સાથે ના કર્યું હોય. આજે માણસ પોઝિટિવ લીવિંગ એટલે કે સકારાત્મક જીવનશૈલી માટે અવનવા કોર્સ કે તાલીમ કાર્યક્રમ કે વર્કશૉપ્સમાં જાય છે, પણ એનું ખરું રહસ્ય માઈન્ડફુલ લીવિંગમાં છે.
દિવાળી આવે ત્યારે ફટાકડામાંથી આ શીખવા જેવું છે. જીવન ફટાકડા જેવું છે. ફૂટી જાય છે એક ધડાકા સાથે, જાણે જીવનનું અજવાળું ઝબકે છે અને થોડી ક્ષણમાં ઓલવાઈ જાય છે. આ ફટાકડા એક ફાટકનું કામ કરી શકે. કૅલેન્ડરનું પાનું બદલાય એટલે નવું વર્ષ નથી બેસતું, એક દ્વાર ખૂલે છે.
જીવન જીવતાં જીવતાં નાવીન્યનો અહેસાસ થાય, અનુભૂતિ ઊંડાણમાંથી આવે અને પ્રતીતિ પળેપળ પ્રસરે ત્યારે જીવન ખીલી ઊઠે છે. અમાસને દિવસે દીવો કરીએ અને જે પ્રકાશ મળે એ પ્રકાશ દિવાળીનો પ્રકાશ બની ઊઠે છે. નાણાંનો હિસાબ રાખવો જોઈએ અને દિવાળી પર વર્ષભરનાં લેખાં-જોખાં વિશે ચિંતા ને ચિંતન કરવું જોઈએ, પણ મનનો રોજમેળ પણ જોઈ લેવો જોઈએ. વાસણને માંજવાની સાથે મનને માંજવાની મથામણ કરવા જેવી છે.
આ માટે માઈન્ડફુલ લીવિંગ વિશે જાગૃતિ કેળવી લેવા જેવી છે. ક્ષણની ક્ષણિકતાને હરાવવી હશે તો ક્ષણનો મહિમા કરવો પડશે. નરસિંહ મહેતા જ્યારે એમ ગાય: આજની ઘડી તે રળિયામણી ત્યારે એમના મનમાં ઘડીનો મહિમા છે. જીવન કેટલાંક વર્ષોનો સરવાળો હશે, પણ જીવનરસ તો ગણતરીની મિનિટનો મહિમા છે. એક નાનકડો કે સારો
પ્રસંગ આખા દિવસને કે આખા વર્ષને આનંદમય બનાવી શકે છે. એક ક્ષણની શક્યતા એક રજકણની જેમ સૂરજ થવાનું શમણું જુએ છે ત્યારે એક ગાયત્રીમંત્રની શક્તિ પ્રગટે છે. એક અણુની જેમ ક્ષણમાં આવી તાકાત રહેલી છે.
આજે આપણે અનોખા સમયમાં જીવી રહ્યા છીએ. વિશ્ર્વ વ્હૉટ્સઍપમાં જીવી રહ્યું છે. એ ફેસબુકમાં ફેલાઈ ગયું છે. સારું છે, ટેક્નોલોજી આવશ્યક છે, પણ પોઝિટિવ થિન્કિંગથી આ જીવનને સ-રસ બનાવવાનું છે. સ્પર્ધા સારી છે, પણ એની આડપેદાશ તરીકે ઈર્ષ્યા પેદા થયા કરે તો એ અંતે નુકસાન કરે છે. એક વિચારસરણી છે, જે શુદ્ધ લાભના તરફેણની વાત કરે છે, જ્યારે આ દિવાળીની ઉજવણી એ શુભ-લાભની વાત છે. દિવાળીના ઉત્સવમાં દરેકને ઈચ્છા હોય કે બધા સુખી થાય. બધા હરખથી બધાને શુભેચ્છા આપે છે.
જો આમ હોય તો પ્રશ્ન ક્યાં છે?
પ્રશ્ર્ન મનના ખાલીપણાનો છે. મન વગરની, માઈન્ડફુલનેસ વગરની શુભેચ્છા ચા વગરનાં કપ-રકાબી જેવી છે. બધા મીઠાઈ વહેંચે છે. આ મીઠાઈ કરતાં મનની મિરાત વહેંચવાની ક્ષણ છે. બીજી રીતે જોઈએ તો દિવાળી ગઈ એટલે એક વર્ષ ગયું ને નવું વર્ષ શરૂ થયું. આજે પોતાની સાથે બેસીને આ વાત કરવાની છે. આ વર્ષે મારે માઈન્ડફુલ જીવવું છે. કોઈની ઈર્ષ્યા નથી કરવી. આવું કરવાથી આપણા નાનાએવા વર્તુળમાં પણ મોટો ગુણાત્મક ફેરફાર થશે. આપણા મનનો દીવો બીજાના મનના દીવાને પણ પ્રગટાવી શકે. અજવાળામાંથી અજવાળું લઈ લો તો પણ અજવાળું જ બચે છે. આ પૂર્ણમદ:ના મંત્રને જીવવાનો સંકલ્પ કરવાનો ઉત્સવ છે. આ જીવનની લાભપાંચમને આ રીતે ઊજવવાનો માઈન્ડફુલ અર્થ છે.
આવતી કાલ પડકારો સાથે ઊગવાની છે એના કરતાં આવતી કાલ અનેક તક સાથે ઊગવાની છે એ ભાવ કેળવવો છે. આ જગત દુ:ખથી ભરેલું તો છે જ, પણ શરદપૂર્ણિમાનો ચંદ્ર કેવો સ-રસ દેખાતો હતો અને એનું આ દ્રશ્ય ગરીબ, પૈસાદાર કે સુખી-દુ:ખી એમ સૌને ઉપલબ્ધ હતું. કુદરત એક પ્રકારની સમાનતા અને ન સમજાય એવી અસમાનતા વહેંચ્યા કરે છે ત્યારે તન્મે મન: શુભસંકલ્પમસ્તુવાળી પ્રાર્થના આપણે આપણને જ સંભળાવવાની છે. આ દિવાળી આપણને મનભર મસ્તી શિખવાડે અને આ માઈન્ડફુલનેસ સકારાત્મક કારણો અને પરિણામો માટે હોય.
આવા સરસ પ્રકાશના ઉઘાડ માટે શુભ કામના…
(ભાગ્યેશ જહા)