શું ભાજપ ગીતિકા શર્મા આત્મહત્યા કાંડના આરોપીનું સમર્થન લેશે?

નવી દિલ્હી: હરિયાણામાં ભાજપ જે 6 અપક્ષ ધારાસભ્યોના સમર્થનની સાથે સરકાર રચવાની તૈયારી કરી રહી છે એમાં સિરસાના ધારાસભ્ય ગોપાલ કાંડાનો પણ સમાવેશ થાય છે. ગોપાલ કાંડા પર અત્યારે પોતાની જ કંપનીની એક મહિલા કર્મચારી ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી છે અને તેમના વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અત્યારે ગોપાલ કાંડા જામીન પર બહાર છે. પોલીસ તરફ દાખલ કરવામાં આવેલ આરોપ પત્રમાં  ગોપાલ કાંડા પર ભારતીય આઈપીસીની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે પ્રેરિત કરવા, અને કલમ 471 હેઠળ છેતરપીંડિ અને ઉત્પીડન સહિત આઈપીસીની અન્ય કલમો પણ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોપાલ કાંડા પર ગીતિકાનો ગર્ભપાત કરાવવાનો પણ આરોપ છે.

ગીતિકા (23 વર્ષ) શર્માએ અશોક વિહાર સ્થિત તેમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઈડ નોટમાં ગોપાલ કાંડા અને તેમની કંપનીમાં કામ કરતી અન્ય એક કર્મચારી અરુણા ચડ્ડાને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતાં.

ત્યારબાદ ગોપાલ કાંડાને ગૃહ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. થોડા વર્ષો પછી ગીતિકા શર્માની માં અનુરાધા શર્માએ પણ આત્મહત્યા કરી લીધી. તેમણે પણ સુસાઈડ નોટમાં તેમની પુત્રીની આત્મહત્યા માટે ગોપાલ કાંડા અને અરુણા ચડ્ડાને જ જવાબદાર ગણાવ્યા. વર્ષ 2016માં ગોપાલ કાંડા અને તેમના ભાઈ ગોવિંદ કાંડા વિરુદ્ધ ગેરકાયદેસર સંપત્તિ મામલે પણ આરોપ લાગી ચૂક્યા છે. સિરસાથી માત્ર 602 મતથી જીતનાર ગોપાલ કાંડએ ગુરુવારે રાતે જ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

53 વર્ષીય ગોપાલ કાંડાની કિસ્મત એ સમયે ખુલી જ્યારે ફૂટવેયરનો બિઝનેસમાં નુકસાન જતાં વર્ષ 1998માં તેણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઝંપલાવ્યું. 2007માં તેમના કારમાંથી 4 વોન્ટેડ ક્રિમિનલ મળ્યા ત્યારે કેન્દ્રએ રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા. વર્ષ 2009માં ગોપાલ કાંડાએ નેશનલ લોકદળની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પણ તેમને ટિકિટ ન મળી તો તે અપક્ષ ચૂંટણી લડી અને જીત્યા. એ ચૂંટણીમાં હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસને બહુમત ન મળ્યો તો ગોપાલ કાંડાની કિસ્મત ખુલી ગઈ અને તેમને મંત્રી પદ મળી ગયું. ત્યાં સુધીમાં તો ગોપાલ કાંડાએ પોતાની એરલાઈન્સ કંપની બનાવી લીધી હતી અને ગીતિકા તેમાંજ નોકરી કરતી હતી. વર્ષ 2012માં ગીતિકા શર્માએ આત્મહત્યા કરી લીધી.