તાઈવાન-ચીન તંગદિલીથી ભારત નિશ્ચિંતઃ RBI ગવર્નર

મુંબઈઃ ભારતની કેન્દ્રસ્થ બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે કહ્યું કે ચીન સાથેના મામલે તાઈવાનમાં કોઈ પણ પ્રકારની અવળી ઘટનાની ભારત ઉપર કોઈ પણ અસર પડે એવી સંભાવના નથી. દાસે કહ્યું કે ભારતના એકંદર વ્યાપારમાં તાઈવાનનો હિસ્સો માત્ર 0.7 ટકા છે તેમજ એ ટાપુરાષ્ટ્રમાંથી ભારતમાં મૂડીનો પ્રવાહ પણ બહુ મોટો નથી. 

ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લેતાં ચીન ભડકી ગયું છે અને તેનાં પડોશી તાઈવાનને સૈન્ય તાકાતથી ડરાવી રહ્યું છે. બંને દેશ વચ્ચે તંગદિલી ઊભી થઈ છે. ચીને પૂર્વ એશિયાના દેશ તાઈવાનના સમુદ્રમાં 10 યુદ્ધજહાજ ઉતાર્યા છે અને તાઈવાન નજીકના સમુદ્ર પરના આકાશમાં મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે તેમજ 100 જેટલા યુદ્ધવિમાનોના ચક્કર લગાવી રહ્યું છે.