નવી દિલ્હી – દિલ્હી હાઈકોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને કહ્યું છે કે તમે રૂ. 18 હજાર કરોડ જમા કરાવશો તો જ તમને વિદેશ પ્રવાસે જવાની પરવાનગી આપવામાં આવશે.
હાઈકોર્ટે આમ, ગોયલને વિદેશ જવાની ના પાડી છે અને એમની વિરુદ્ધ કેન્દ્ર સરકારે ઈસ્યૂ કરેલા લૂકઆઉટ સર્ક્યૂલર (LOC)ને પડકારતી ગોયલે કરેલી અરજી ઉપર કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.
ન્યાયમૂર્તિ સુરેશ કૈતે કહ્યું છે કે હાલને તબક્કે ગોયલને કોઈ પ્રકારની વચગાળાની રાહત આપવામાં નહીં આવે. એ જો અત્યારે વિદેશ જવા માગતા હોય તો એ રૂ. 18 હજાર કરોડની ગારન્ટી રકમ જમા કરાવી શકે છે.
કેન્દ્ર સરકારે કોર્ટને જાણ કરી છે કે રૂ. 18 હજાર કરોડની રકમની છેતરપીંડી બહુ ગંભીર બાબત છે અને આ કેસમાં તપાસ ચાલી રહી છે.
કેન્દ્ર સરકારે ગોયલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યૂલર ઈસ્યૂ કર્યો હતો અને ગઈ 25 મેએ ગોયલ દુબઈ માટેની એક ફ્લાઈટમાં ચડવાની તૈયારીમાં જ હતા એ જ વખતે સરકારે એમને રોકી દીધા હતા. ગોયલ એમના પત્ની અનિતા સાથે જતા હતા. બંનેને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. તેઓ લંડનમાં કોઈક કામસર દુબઈ માર્ગે જનાર ફ્લાઈટ દ્વારા જઈ રહ્યા હતા. ગોયલ સામે સરકારે જોકે કોઈ એફઆઈઆર નોંધી નથી.
ગોયલના વકીલ મનિન્દર સિંહે દલીલ કરી હતી કે 25 મેએ જ્યારે ગોયલ દંપતીને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યું હતું ત્યારે એમની પાસે એવી કોઈ સામગ્રી મળી આવી નહોતી કે જેનાથી એવો દાવો કરી શકાય કે તેઓ તપાસમાંથી છટકી જવા માગતા હતા. તેઓ NRIs છે એટલે ચોક્કસ સમયગાળા માટે વિદેશ જવાની એમને જરૂર રહે છે.
ગોયલે જ્યારે હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરી ત્યાં સુધી એમની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નહોતો, પણ 6 જુલાઈએ જ્યારે કેસની સુનાવણી કરાઈ ત્યારે એમને સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) તરફથી સમન્સ મોકલવામાં આવ્યું કે એમણે 10 જુલાઈ પહેલાં એની સમક્ષ હાજર થઈ જવું.
વકીલે કહ્યું કે ગોયલ નાણાકીય સંકટમાં ફસાયેલા એમના જેટ ગ્રુપ માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટે દુબઈ અને લંડન જવા ઈચ્છતા હતા.
ભંડોળને અન્યત્ર વાળવાનો સરકારે ગોયલ પર આરોપ મૂક્યો છે અને એમાં તપાસ શરૂ કરાવી છે.