કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહી એવી વાતો જેનાથી રાહુલે આંખ આડા કાન કર્યાં હતાં…

નવી દિલ્હી– રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામાં બાદ પણ પાર્ટી અનિર્ણયની સ્થિતિમાં છે. કોંગ્રેસ પાર્ટીનો આગામી અધ્યક્ષ કોણ બનશે? એ વાતને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પદ છોડ્યાં પહેલા નવા અધ્યક્ષને લઈને કોઈ વ્યવસ્થા બનાવવી જોઈતી હતી.

તેમણે કહ્યું કે, આ સ્થિતિ પર વાત કરવી કષ્ટદાયક છે. સંગઠનની સ્થિતિ જોઈને પીડા થાય છે. કારણ બહાર નથી અંદર જ છે. કોઈ એવી વાત પાર્ટીમાં થઈ જેને લઈને હું સહમત ન હતો. નેતૃત્વથી અસહમતિઓને છુપાવી નથી. તેમણે કહ્યું કે, મેં આર્થિક આધાર પર આરક્ષણની માગ કરી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે આ વાતથી કિનારો કરી લીધો હતો. અને પછી જ્યારે મોદી સરકાર 10 ટકા અનામત લઈને આવી ત્યારે તમામ પાર્ટીઓ મૌન થઈ ગઈ.

જનાર્દન દ્વિવેદીએ આગળ કહ્યું કે, ભારતીયતા અને ભગવાકરણને લઈને મારા વિચારો સાથે પાર્ટી સહમત નહતી. અને પાછળથી ભારતીય સંસ્કૃતિની નજીક દર્શાવવા માટે અનેક પ્રયાસો કરવા પડયા. રાહુલ ગાંધીનું રાજીનામું આદર્શ સ્થાપિત કરે છે. અધ્યક્ષ રાજીનામું આપે છે અને બાકી પાર્ટી જેમની તેમ ચાલતી રહે છે. જે લોકો જવાબદારીવાળા પદો પર છે તેમણે રાહુલ ગાંધીની વાતોનું પાલન કરવું જોઈતું હતું, પરંતુ એવું ન થયું. રાહુલ ગાંધી આજે પણ પાર્ટીના અધ્યક્ષ છે. નવા અધ્યક્ષને લઈને બેઠક મળી રહી છે તે કોણ છે? કોર્ડિનેશન કમિટીના નામ પર બેઠક થઈ રહી છે, જ્યારે કે કોર્ડિનેશન કમિટી અસ્તિત્વમાં જ નથી.

તેમણે કહ્યું કે, રાહુલના નિર્ણયનું સમર્થન કરું છું. જ્યાં સુધી તમે છોડશો નહીં ત્યાં સુધી મેળવશો નહીં. હું આજે એટલા માટે બોલી રહ્યો છું કારણ કે 5 વર્ષ પહેલા પાર્ટીમાં એવી વાત ચાલી હતી કે, નવા લોકો જવાબદારી સ્વીકારે અને ઉંમરલાયક લોકો અન્ય જવાબદારીઓ જુએ. સોનિયા ગાંધી જ્યારે સારવાર માટે ગયા હતાં ત્યારે તે એક કમિટી બનાવીને ગયા હતાં. 15 સપ્ટેમ્બર 2014ના રોજ સોનિયાનો લખેલો પત્ર જાહેર કરી રહ્યો છું, જેમાં મેં ત્યાગપત્રની રજૂઆત કરી હતી.

આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન કરણ સિંહે કહ્યું હતું કે, તાત્કાલિક ધોરણે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવીને નિર્ણય કરવામાં આવે અને શક્ય હોય તો આ બેઠક પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની આગેવાનીમાં બોલાવવામાં આવે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ થોડા દિવસો અગાઉ જ રાહુલ ગાંધીએ તેમના રાજીનામાંની ઔપચારિક જાહેરાત કરી અને નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યાં ત્યારબાદથી અત્યાર સુધી સીડબ્લ્યુસીની બેઠકને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]