નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. પહાડી વિસ્તારોની તુલનામાં આ વખતે રાજધાની દિલ્હમાં પણ ભયાનક ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ઠંડીએ છેલ્લા 118 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હકીકતમાં છેલ્લા 118 વર્ષનો સોથી ઠંડો ડિસેમ્બર રહ્યો છે. તો શનિવારના રોજ દિલ્હીમાં તાપમાનમાં વધારે ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આજે સવારે તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. વિભાગનું માનીએ તો આવનારા કેટલાક દિવસોમાં પારો આનાથી પણ નીચે જઈ શકે છે.
દિલ્હીમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. ગઈકાલે 3 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું હતું. અહીંયા પારો 4.2 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયો છે. શનિવારના રોજ નોંધવામાં આવેલા તાપમાને આનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આજે સવારે તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર, આવનારા દિવસોમાં દિલ્હીમાં તાપમાન વધારે ઘટી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે હાલ ઠંડીમાં રાહતના કોઈ અણસાર નથી. હિમાચાલ ક્ષેત્રમાં સતત થઈ રહેલી બરફવર્ષા અને તેજ પવનને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. ઠંડી વધતા જ દિલ્હી-એનસીઆર क्षेત્રમાં પ્રદૂષણનું સ્તર પણ વધી શકે છે. શુક્રવારે દિલ્હીના ઇન્ડિયા ગેટ વિસ્તારની આસપાસ એર ક્વલિટી ઇન્ડેક્સ 367 ડિગ્રી નોંધાયો હતો. જે ખરાબ શ્રેણીમાં આવે છે.
ગુરુવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધનીય છે કે દિલ્હીમાં છેલ્લા 13 દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. આ પહેલા 1997માં આવું થયું હતું કે સતત 17 દિવસ સુધી તાપમાન ગગડ્યું હતું. ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ડિસેમ્બરમાં સરેરાશ મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું 1919, 1929, 1961 અને 1997ના વર્ષમાં રહ્યું હતું. આ વખતે ડિસેમ્બરમાં મહત્તમ સરેરાશ તાપમાન અત્યાર સુધી 19.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 31 તારીખ સુધી તે 19.15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનો અંદાજ છે. જો આવું થશે તો 1901 પછી આ બીજો સૌથી ઠંડો ડિસેમ્બર હશે. ડિસેમ્બર 1997માં સરેરાશ મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે. જમ્મુ કશ્મીરમાં હવામાન ખાતાએ ચિલ્લીયાં જાહેર કરી એટલે કે આવનારા 40 દિવસ હિમવર્ષા સાથે હાડ ધ્રૂજાવતી ભીષણ ઠંડી પડશે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, કુલુ-મનાલી, મસૂરી વગેરે સ્થળોએ તો હવે હિમવર્ષા લગભગ રોજની થઇ પડી છે. બીજી બાજુ બિહાર અને ઉત્તર પ્રદેશ, સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવતી ઠંડીએ લોકોને ઘરમાં બેસી રહેવાની ફરજ પાડી છે.