દિલ્હીમાં ‘ન્યૂઝક્લિક’ પોર્ટલની ઓફિસ, પત્રકારોના ઘરો પર દરોડા

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ઓનલાઈન પોર્ટલ ન્યૂઝક્લિકના અત્રેના કાર્યાલય અને તેના પત્રકારોના ઘર પર આજે સવારે દરોડા પાડ્યા હતા. આને કારણે પત્રકારજગતમાં રોષ ફેલાયો છે. સ્પેશિયલ સેલે નવો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. અમેરિકાના અબજોપતિ નેવિલ રોય સિંઘમ સાથે પોર્ટલના કથિત સંપર્કોને લીધે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. નેવિલ રોય સિંઘમ ભારતમાં ચીનના પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચતા હોવાનું અને ગેરકાયદેસર રીતે ભંડોળ એકઠું કરતા હોવાનું મનાય છે. તેઓ ‘થોટવર્ક્સ’ નામની આઈટી કન્સલ્ટિંગ કંપનીના સ્થાપક છે. આ કંપની કસ્ટમ સોફ્ટવેર, સોફ્ટવેર ટૂલ્સ, કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે.

અગાઉ આ જ પોર્ટલની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ પણ દરોડા પાડ્યા હતા. તેનું કારણ પોર્ટલ આર્થિક ભંડોળ ક્યાંથી મેળવે છે તેની તપાસ કરવા માટે એ દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે આજના દરોડા ઈડી એજન્સીએ આપેલી માહિતીના આધારે દિલ્હી પોલીસે પાડ્યા છે. પોલીસે પોર્ટલના રેચવાર પક્પરાપોના લેપટોપ્સ અને મોબાઈલ ફોન્સમાંથી કેટલીક માહિતી મેળવી છે. અમુક પત્રકારોને ત્યારબાદ સ્પેશિયલ સેલની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોર્ટલના અભિષાર શર્મા નામના વરિષ્ઠ પત્રકારે X પર લખ્યું છેઃ ‘દિલ્હી પોલીસે મારા ઘર પર દરોડો પાડ્યો છે. મારું લેપટોપ અને ફોન લઈ ગયા છે.’ ભાષા સિંહ નામનાં એક અન્ય પત્રકારે પોતાનાં X પર લખ્યું છે, ‘આખરે આ ફોન પરથી છેલ્લું ટ્વીટ કર્યું છે. દિલ્હી પોલીસે મારો ફોન જપ્ત કરી લીધો છે.’