નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે.
આ તમામ લોકો વ્હોટ્સએપ ગ્રુપ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જેએનયુ તેમજ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જામિયા સાથે જોડાયેલા હતા. બીજી તરફ શરજીલના મોબાઇલની તપાસ બાદ પોલીસે જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ શરજીલના સંપર્કમાં હતા. પોલીસે આ તમામને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શરજીલના લેપટોપ અને ડેસ્કટોપની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલે જામિયા હિંસા પહેલા ઉર્દુ અને અંગ્રેજીમાં કેટલાક ભડકાઉ પોસ્ટર બનાવ્યા હતા. આ પોસ્ટર તેમણે વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યા હતા. પોલીસે શરજીલના મોબાઇલમાંથી ડિલીટ થયેલો ડેટા પણ મેળવ્યો છે. મોબાઇલમાંથી મળેલા અનેક વીડિયોમાં શરજીલ ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે.