નવી દિલ્હી: પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અનામી વ્યક્તિએ ફોન પર આ ધમકી આપી છે. ગંભીરે ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને તેમના અને પરિવારની સુરક્ષાની માંગ કરી છે.
ગંભીરે પોલીસને પત્રમાં જણાવ્યું હતું કે ફોન આંતરરાષ્ટ્રીય નંબરથી આવ્યો છે. ઇન્ટરનેશનલ નંબર +7 (400) 043 પરથી ફોન કરીને મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હું પોલીસને વિનંતી કરું છું કે તેઓ એફઆઈઆર નોંધાવે અને મને અને મારા પરિવારને સુરક્ષા આપે.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર પોતાના બિનદાસ્ત નિવેદનો માટે જાણીતા છે. થોડા દિવસો અગાઉ તેમણે એવુ નિવેદન આપીને દિલ્હીની રાજનીતિમાં ખલબલી મચાવી દીધી હતી કે, જો તેમને દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવશે તો તે પાછળ નહીં હટે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના તત્કાલિન સાંસદ મહેશ ગિરીની ટિકિટ કાપીને ગૌતમ ગંભીરને ઉમેદવાર જાહેર કર્યા હતાં.