રાજનાથ સિંહે INS વિક્રમાદિત્ય પરથી કર્યું ધડાધડ ફાયરિંગ

નવી દિલ્હીઃ તેજસ યુદ્ધ વિમાનની સવારી કર્યા પછી હવે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હવે સમુદ્રમાં મશીન ગન ચલાવતા નજરે પડી રહ્યા છે. હાલ સંરક્ષણ મંત્રી ગોવામાં આઈએનએસ વિક્રમાદિત્ય પર છે. રાજનાથ સિંહે વિક્રમાદિત્ય પર મશીન ગનમાંથી ધડાધડ ગોળીઓ ચલાવી હતી. તેમણે આઈએનએસ વિક્રમાદિત્ય પર 24 કલાકનો સમય વિતાવ્યો હતો.  વીડિયોમાં જોઈ શકાય છે કે સંરક્ષણમંત્રીએ સુરક્ષા કર્મચારીઓ સાથે યોગ પણ કર્યાં હતાં.

અહીં તેમણે પશ્ચિમ કમાનના જવાનોને સંબોધિત કરતા કહ્યું કે, નૌસેના દરેક પ્રકારના ખતરાથી દેશની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશની સુરક્ષા સુરક્ષિત હાથોમાં છે. દેશની સુરક્ષા એ વાત પર નિર્ભર કરે છે કે, સમુદ્રની અંદર આપણે કેટલા શક્તિશાળી છીએ. વધુમાં તેમણે કહ્યું ભારત 26/11ના હુમલાને ક્યારેય નહીં ભૂલે.

પશ્ચિમિ કમાનના વખાણ કરતા રક્ષામંત્રીએ કહ્યું કે, બાલાકોટમાં આતંકી કેમ્પ પર હુમલા બાદ ઉત્તરી અરબ સાગરમાં જે રીતે પશ્ચિમિ કમાન પોતાનું કામ કરી રહ્યું છે તેને જોતા આપણા મુખ્ય હરિફો સમુદ્રમાં કોઈ હિલચાલ કરવાનું સાહસ કરી શકે તેમ નથી.

આઈએનએસ વિક્રમાદિત્યની યાત્રા દરમ્યાન પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભારતીય સમુદ્રસપાટી પર આતંકી હુમલાનો ખતરો યથાવત છે, કારણ કે, પડોશી દેશ ભારતને અસ્થિર કરવા માટે નાપાક હરકતો કરી રહ્યું છે. દરિયાકાંઠે આતંકવાદી હુમલાના ખતરા પર રક્ષામંત્રીએ કહ્યું કે, વિશ્વમાં દરેક દેશ પાસે પોતાની રક્ષા માટે પર્યાપ્ત સુરક્ષા હોવી જોઈએ. આપણે કોઈ પણ આશંકાને હલ્કામાં ન લઈ શકીએ.

ઉલ્લેખનીય છે કે, શનિવારે સંરક્ષણ મંત્રીએ સાઈલન્ટ કિલર કહેવાતી સ્કોર્પિયન ક્લાસની અત્યાધુનિક સબમરીન ખંડેરીને ભારતીય નેવીને સોંપી હતી. સંરક્ષણ મંત્રીએ એવી પણ આશંકા દર્શાવી હતી કે આતંકી સમુદ્રના રસ્તે પણ હુમલો કરી શકે છે આ કારણે સમુદ્રી તાકાત વધારવાની જરુર છે. સબમરીન સોંપતા તેમણે ભરોસો દર્શાવ્યો હતો કે નેવી હથિયારોનો ઉપયોગ કરશે અને સમુદ્રમાં રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરશે.