લોકસભામાં ડેટા પ્રોટેક્શન બિલ પાસઃ નિયમ તૂટશે તો ભારે દંડ

નવી દિલ્હીઃ લોકસભામાં સોમવારે ડેટા પ્રોટેક્શન બિલ પાસ થયું છે. ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન બિલ, 2023ને ધ્વનિમતથી લોકસભામાં પસાર થયું છે. આ બિલના નિયમો અનુસાર ઉલ્લંઘન કરવાવાળી સંસ્થાઓ પર કમસે કમ રૂ. 50 કરોડ અને મહત્તમ રૂ. 250 કરોડ સુધીનો દંડ લગાવવામાં આવે એવી શક્યતા છે.

શું છે ડેટા પ્રોટેક્શન બિલ?

ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થયા પછી જોકોઈ કંપની એ સંસ્થા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા કોઈ પણ વ્યક્તિની માહિતી લીક કરવામાં આવશે તો એના પર રૂ. 250 કરોડ સુધીનો દંડ ફટકારી શકાય છે. આ કાયદો લાગુ થયા પછી લોકો પોતાનો ડેટા, સ્ટોરેજ અને એની પ્રક્રિયા વિશે માહિતી માગવાનો હક મળી જશે.

આ બિલ અનુસાર ડેટા પ્રોટેક્શન બોર્ડની રચના કરવામાં આવશે. જો કોઈ મામલે વિવાદ થયો તો એ સંબંધે ડેટા પ્રોટેક્શન બોર્ડ નિર્ણય કરશે. આ બિલ હેઠળ હવે નાગરિકોને સિવિલ કોર્ટમાં જઈને વળતર કરવાના દાવો કરવાનો અધિકાર પણ મળશે. આ બિલમાં ઓનલાઇન અને ઓફલાઇન –બંને પ્રકારના ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બિલ પરની ચર્ચામાં ITપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ બિલ દેશના 140 કરોડ લોકોના ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષાથી સંબંધિત છે. આ બિલ પર છેલ્લાં કેટલાંય વર્ષોમાં સ્થાયી સમિતિ, 48 સંગઠનો, 39 વિભાગો-મંત્રાલયો એના પર ચર્ચા કરી હતી અને 24,000 સૂચનો પ્રાપ્ત થયાં હતાં.

જોકે વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે એ કાનૂન પ્રાઇવસીના અધિકારનું હનન કરે છે.