નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન “ફની” અત્યંત ખતરનાક થતું નજરે આવી રહ્યું છે. આ હવે ઓડિશા તટ બાજુ વળી રહ્યું છે. હવામાન વિભાગે આ મામલે એલર્ટ જાહેર કર્યું છે. વિશેષજ્ઞો અનુસાર બુધવારે આ તોફાન અત્યંત ખતરનાક ચક્રવાતનું રુપ લઈ શકે છે. આની વધારે અસર કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં જોવા મળશે. પરંતુ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં તેની અસરથી 2 થી 4 મેના રોજ વરસાદ થવાની શક્યતાઓ છે. આને લઈને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તોફાન આવવાની શક્યતાઓ છે. જોકે આ વિસ્તારોમાં ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળશે.
સ્કાઈમેટના પ્રેસિડન્ટ જે.પી.શર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ચક્રવાત ફની ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન છે. આ જલ્દી જ ખતરનાક રુપ ધારણ કરી લે છે. મંગળવારના રોજ આની ભયાનકતામાં વધારો થયો છે. ઉત્તર-પશ્ચિમ બાજુ વધતા, આ હવે દક્ષિણ-પશ્ચિમ અને બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી ઉપર પહોંચી ગયું છે.
તેમણે કહ્યું કે અમે “ફની” ની દિશામાં થોડો બદલાવ થાય તેવી શક્યતાઓ અને અપેક્ષાઓની જોઈ રહ્યા છીએ. આવતા 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ બાજુ વધે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ તે ઉત્તર પૂર્વની બાજુ ઓડિશા તટ તરફ વળશે. તેને લઈને કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના વિસ્તારમાં આવનારા કેટલાક દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
વર્તમાન પરિસ્થિતીની વાત કરીએ તો “ફની” નામનું આ વાવાઝોડું ખૂબ આક્રામક દેખાઈ રહ્યું છે. આને લઈને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં 2 મે થી 4 મે વચ્ચે ભારે વરસાદની શક્યતાઓ છે. આ સીવાય 3 થી 4 મેના રોજ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા છે.
આપાતકાલીન સ્થિતીને પહોંચી વળવા માટે એનડીઆરએફ પૂર્ણ રીતે તૈયાર છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમીટિએ ચક્રવાત “ફની” થી સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારોને તોફાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની સહાયતા ઉપ્લબ્ધ કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકારે એનડીઆરએફ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખ્યા છે.
આવનારા બે દિવસ માટે દક્ષિણ ભારતમાં કોટ્ટાયમ, એર્નાકુલમ, ઈડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડ જેવા આઠ જિલ્લા માટે ખાસ રીતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોઈપણ ચક્રવાતી તોફાનની ગતી 80-90 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ તોફાનની ગતી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અત્યંત ભયંકર ચક્રવાતી તોફાનના મામલામાં ગતી 170-180 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. “ફની” નામના આ વાવાઝોડાની ગતી 200 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.