ક્રીપ્ટોવાયર દ્વારા ભારતમાં ક્રીપ્ટોકરન્સીના પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ ‘આઇસી૧૫’નો પ્રારંભ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી અને બ્લોકચેઇન ક્ષેત્રે જ્ઞાનનો પ્રસાર કરવાના ઉદ્દેશ્યથી ‘ક્રીપ્ટોવાયર’ ગ્લોબલ સુપર ઍપ દ્વારા ભારતમાં ક્રીપ્ટોકરન્સીના પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ – ‘આઇસી૧૫’નો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

ટિકરપ્લાન્ટના સ્પેશિયલ બિઝનેસ યુનિટ – ‘ક્રીપ્ટોવાયર’નો આ ઇન્ડેક્સ ક્રીપ્ટોકરન્સી માર્કેટને આવરી લેનારો નિયમ આધારિત વ્યાપક ઇન્ડેક્સ છે, જેમાં વિશ્વનાં અગ્રણી ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જીસ પર લિસ્ટેડ ક્રીપ્ટોકરન્સીની કામગીરીનું પ્રતિબિંબ ઝીલવામાં આવે છે. એક્સચેન્જીસ પરની સૌથી વધુ પ્રવાહિતા ધરાવતી ટોચની પંદર ક્રીપ્ટોકરન્સીની કામગીરીને એમાં ટ્રેક કરવામાં આવે છે.

ક્રીપ્ટોવાયરની યાદીમાં જણાવાયા મુજબ ગત કેટલાંક વર્ષોમાં ક્રીપ્ટોકરન્સી એક ઍસેટ ક્લાસ બની ગઈ છે અને એમાં લોકોની રુચિ ઘણી વધી ગઈ છે. લોકો તેનો સ્વીકાર કરવાની માનસિકતા ધરાવે છે.

ક્રીપ્ટોવાયરની અખબારી યાદી મુજબ આઇસી૧૫ ઇન્ડેક્સ આ માર્કેટની હિલચાલના ૮૦ ટકા કરતાં વધુ હિસ્સાનું પ્રતિબિંબ પાડે છે અને તેથી જ ફંડામેન્ટલ માર્કેટને ટ્રેક કરવામાં વધુ અસરકારક બને છે. એટલું જ નહીં, નિર્ણયો લેવા માટેના આધાર તરીકે તથા પારદર્શકતા વધારે એવું એ સાધન છે.

ક્રીપ્ટોવાયરના આ ઇન્ડેક્સને સંબંધિત સમિતિમાં આ ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગના ખેલાડીઓ તથા શિક્ષણશાસ્ત્રીઓ સામેલ છે. તેઓ ઇન્ડેક્સ પર સતત નજર રાખશે અને દર ત્રણ મહિને તેમાં આવશ્યક ફેરફારો સૂચવશે. આઇસી૧૫ ઇન્ડેક્સનું આધારભૂત મૂલ્ય ૧૦,૦૦૦ અને એની આધારભૂત તારીખ ૧ એપ્રિલ, ૨૦૧૮ રાખવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે આઇસી૧૫માં હાલ બિટકોઇન, ઇથીરિયમ, બિનાન્સ કોઇન, સોલાના, કાર્ડાનો, એક્સઆરપી, ટેરા, ઍવલાંશ, પોલ્કાડોટ, ડોજીકોઇન, શિબા ઇનુ, યુનિસ્વૉપ, લાઇટકોઇન, ચેઇનલિંક અને બિટકોઇન કૅશ એ પંદર ક્રીપ્ટોકરન્સીને આવરી લેવામાં આવી છે.

ક્રીપ્ટોવાયરના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ જિગીશ સોનગરાએ કહ્યું છે,” ભારતના પ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ના લૉન્ચિંગ દ્વારા અમે ક્રીપ્ટો અને બ્લોકચેઇન પરિતંત્રમાં જ્ઞાનનું વર્તુળ પરિપૂર્ણ કરવા માગીએ છીએ. ક્રીપ્ટોવાયરમાં અમે માર્કેટના વિકાસ માટે પ્રેરક કામગીરી બજાવવાનો અભિગમ ધરાવીએ છીએ. માર્કેટના તમામ સહભાગીઓ આ સંશોધન આધારિત અને ટેક્નૉલૉજીથી સમૃદ્ધ તકનો પૂરેપૂરો લાભ લે એવું અમે ઈચ્છીએ છીએ. ક્રીપ્ટોવાયર આ ઉદ્યોગમાં જ્ઞાન, સંશોધન અને માહિતીના પ્રસારનું કાર્ય કરીને સહભાગીઓને સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં મદદરૂપ થવા માગે છે. આઇસી૧૫ ઇન્ડેક્સ આ જ દિશામાં ભરાયેલું પગલું છે.”