પટનામાં કોરોના-વિસ્ફોટઃ NMCHમાં 84 ડોક્ટરો કોરોના સંક્રમિત

પટનાઃ બિહારમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 352 નવા કેસ નોંધાયા હતા. પટનામાં રવિવારે 110 ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સહિત કુલ 229 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના 84 સિનિયર ડોકટરોનો RT-PCR કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કોલેજથી માંડીને હોસ્પિટલ વહીવટી તંત્ર આકરા પાણીએ છે. હોસ્પિટલના વડા ડો. વિનોદકુમાર સિંહે જણાવ્યું હતું કે વિશેષ તપાસ શિબિર લગાવીને 194 ડોકટરોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 84 ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યમાં અન્ય સંક્રમિતોમાં એમ્સ પટનાના પાંચ ડોકટરો અને 10 આરોગ્ય કર્મચારીઓ, PMCHના ચાર ડોક્ટરો, IGICમાં ત્રણ ડોક્ટરો, બે આરોગ્ય કર્મચરીઓ સહિત પાંચ સંક્રમિત સામેલ છે. બધા લોકોને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે.

બિહારના આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ ઔરંગાબાદ-બાંકામાં ચાર, બેગુસરાયમાં એક, ભાગલપુરમાં ત્રણ, ભોજપુર અને દરભંગામાં બે, ગોપાલગંજ અને કૈમૂરમાં એક, જમુઈમાં છ, જહાનાબાદમાં 13, ખગડિયામાં છ, કિશનગંજમાં એક, લખીસરાયમાં સાત, મધુબનીમાં બે, મુંગરમાં 13, મુઝફ્ફરપુરમાં પાંચ, નાલંદા અને નવાડામાં બે-બે, પૂર્ણિયામાં બે સહરસામાં પાંચ, સમસ્તીપુરમાં ચાર, સારણમાં ત્રણ, સીતામઢીમાં એક, સિવાનમાં બે, સુપોલમાં એક, વૈશાલીમાં ત્રણ, પશ્ચિમ ચંપારણમાં બે અને બે લોકો અન્ય રાજ્યોમાં લેવામાં આવેલાં સેમ્પલોમાં કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા.