ગુજરાત/મહારાષ્ટ્ર પર વાવાઝોડા ‘નિસર્ગ’નું સંકટ 

અમદાવાદ/મુંબઈઃ  ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં વધુ એક ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરી છે. હાલ ‘નિસર્ગ’ વાવાઝોડું સુરતથી 920 કિલોમીટર દૂર દરિયામાંથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને ભારે અસર કરે એવી શક્યતા છે. આ વાવાઝોડાના જોખમને કારણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની આજે બેઠક યોજાઈ હતી. આ સંભવિત વાવાઝોડા વિશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી.

મુખ્ય પ્રધાને લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી

રૂપાણીએ દક્ષિણ ગુજરાત, ભાવનગર અને અમરેલીના લોકોને ત્રીજી અને ચોથી જૂને જરૂર વિના બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે દરિયાકિનારાના વિસ્તારોમાં લોકો તેમ જ અગરિયાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવાની અપીલ કરી છે. તેમણે જિલ્લા કલેકટર્સને પણ આ માટે સૂચના આપી છે.

NDRFની 10 અને SDRFની પાંચ ટીમ તહેનાત

આ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં લઈને સરકારે NDRFની 10 ટીમો અને SDRFની પાંચ ટીમોને તહેનાત કરી દીધી છે અને જરૂર પડશે તો વધારાની ટીમો નજીકના વિસ્તારોમાં અનામત રાખવામાં આવ્યું હોવાનું મુખ્ય પ્રધાને કહ્યું છે.

દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું

હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપમાં નીચું દબાણ ક્ષેત્ર સર્જાયું છે, જે આગળ જતાં ચક્વાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. નિસર્ગ વાવાઝોડું આવતા બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં ટકરાવાની શક્યતા છે.  હવામાન વિભાગે ત્રણ-ચાર જૂને તટવર્તી વિસ્તારોમાં  રેડ અલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડાને પગલે દમણ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓમાં હાઇ અલર્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 109 ગામોને વધુ પ્રભાવિત કરશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીનાં 50 ગામો પણ પ્રભાવિત થઈ શકે છે.

વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂને વહેલી સવારે ફૂંકાવાની શક્યતા

આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂને વહેલી સવારે ત્રાટકવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ભાવનગર અને અમરેલીમાં આ વાવાઝોડાની વધુ અસર થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત, ભરૂચ ડાંગ અને નવસારી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માટે દરિયાકિનારાના 34 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદની આગાહી

રાષ્ટ્રીય હવામાન વિભાગનાં પ્રમુખે કહ્યું છે કે ચોથી જૂને તટવર્તી મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત માટે રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ચક્રવાતી વાવાઝોડાને પગલે આ ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. ત્રીજી જૂને વરસાદ થવાની સંભાવના છે. ત્રીજી જૂને મહારાષ્ટ્રના તટવર્તી અને ગોવા માટે રેડ અલર્ટ અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત

તેમણે કહ્યું છે કે દક્ષિણ-પૂર્વ અને એનાથી નજીકના મધ્ય-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં જે નીચું દબાણનું ક્ષેત્ર બન્યુ છે, એ આગામી 24 કલાકમાં ઝડપથી ડીપ ડિપ્રેશનમાં બદલાશે, ત્યાર બાદ એ ઝડપી બનીને ત્રીજી જૂન સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના તટે પહોંચશે.

માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ

 હવામાન વિભાગે ગુજરાતના માછીમારોને ચાર જૂન સુધી સમુદ્રમાં ના જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં બધાં પોર્ટો માટે અલર્ટ જારી કર્યું છે. ચાર જૂન સુધી આ વિસ્તારોમાં પ્રતિ કલાકે 90થી 100 કિલોમીટરથી હવા ચાલશે અને એ હવા ઝડપ વધીને પ્રતિ કલાક 176 કિલોમીટર પહોંચવાની શક્યતા છે, જેનાથી સમુદ્ર ખતરનાક રૂપ લે એવી ધારણા છે.