નવી દિલ્હીઃ ચૂંટણી સુધારા માટે કામ કરતા ગ્રુપ ADRના એક રિપોર્ટ મુજબ મોદી કેબિનેટમાં સામેલ 78 પ્રધાનોમાંથી 42 ટકાની સામે ગુનાઇત કેસો નોંધાયેલા છે, જેમાં ચાર પર હત્યાના પ્રયાસથી જોડાયેલા મામલા છે. બુધવારે 15 નવા કેબિનેટ પ્રધાનો અને 28 રાજ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. જે પછી મોદી પ્રધાનમંડળનું કુલ કદ 78 થઈ ગયું હતું.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ચૂંટણી સોગંદનામાનો હવાલો આપતાં કહ્યું હતું કે આ બધા પ્રધાનોના કરવામાં આવેલા વિશ્લેષણમાં 33 (42 ટકા)એ ખુદની સામે ગુનાઇત કેસોનો ઉલ્લેખ કર્યો છે. આશરે 24 અથવા 31 ટકા પ્રધાનોએ ગંભીર ગુનાઇત કેસોની ઘોષણા કરી છે, જેમાં હત્યા સંબંધિત કેસો, હત્યાના પ્રયાસ, લૂંટફાટ વગેરે સામેલ છે.
કૂચ બિહાર ચૂંટણી ક્ષેત્રમાંથી ગૃહરાજ્ય પ્રધાન નિશિથ પ્રામાણિકે જાતે પોતાની સામે હત્યાથી જોડાયેલા (IPC કલમ-302)થી સંબંધિત એક મામલાની ઘોષણા કરી હતી. નિશિથ 35 વર્ષના કેબિનેટમાં સૌથી નાની ઉંમરના પ્રધાન પણ છે. ચાર પ્રધાનોએ મર્ડર (IPC કલમ-307)ના પ્રયાસ સંબંધિત મામલાની ઘોષણા કરી છે, જેમાં જોન, બરલા, પ્રમાણિક પંકજ ચૌધરી અને વી મુરાલેદાહરન સામેલ છે.
આ સિવાય પ્રધાનોના વિશ્લેષણમાં માલૂમ પડ્યું હતું કે 70 (90 ટકા) કરોડપતિ છે અને પ્રતિ પ્રધાનની સરેરાશ સંપત્તિ રૂ. 16.24 કરોડ છે. ચાર પ્રધાનોએ રૂ. 50 કરોડની સંપત્તિ ઘોષિત કરી છે. તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ, નારાયણ તાતુ રાણે અને રાજીવ ચંદ્ર શેખર છે.