કોરોનાએ ભારતમાં 162 ડોક્ટર, 107-નર્સનો ભોગ લીધો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીએ ભારતમાં અત્યાર સુધીમાં 162 ડોક્ટર, 107 નર્સ અને ભારત સરકારે રચેલી સામાજિક સંસ્થા એક્રીડિટેડ સોશ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ (ASHA)ના 44 કાર્યકર્તાઓનો ભોગ લીધો છે. આ જાણકારી આજે રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ આપી હતી. આ આંકડા ગઈ 22 જાન્યુઆરી સુધીમાં રાજ્યો તરફથી મળેલી માહિતીના આધારે છે.

ચૌબેએ કહ્યું કે કોરોના વાઈરસને કારણે બીમાર પડનાર કે જાન ગુમાવનાર વ્યક્તિ વિશેની ચકાસણી કરવાની ફરજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંબંધિત સત્તાવાળાઓની છે. કોરોનાગ્રસ્ત આરોગ્યકર્મીઓ વિશેની ચકાસણી વિશે ચૌબેએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપીઃ વીમા યોજના) અંતર્ગત વીમા રાહત રકમના વિતરણની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે.