નવી દિલ્હી: કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો રોકવા 21 દિવસનું લોકડાઉન ચાલી રહયું છે. લોકો 14 એપ્રિલ સુધી ઘરે રહીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવા વિડિયો કોલ અને વોઈસ મેસેજનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ તમામ કામ માટે ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક લોકો બ્રોડબ્રેન્ડ કનેક્શન પર નિર્ભર છે તો બીજી તરફ વાઈફાઈનો ખર્ચ ન ઉઠાવી શકનારા લોકો હજુ પણ મોબાઈલ ડેટાનો જ ઉપયોગ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમ્યાન ભારતીયો દ્વારા વાઈ-ફાઈનો ઉપયોગ અપેક્ષા કરતા ઓછો રહ્યો છે.
અત્યારે લોકો ઘરે જ છે પરંતુ વાઈફાઈનો ઉપયોગ પ્રમાણમાં એટલો નથી વધ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસને પગલે લોકડાઉનના સમયે વાઈફાઈના વપરાશમાં અપેક્ષા મુજબનો વધારો નથી થયો.
જાન્યુઆરીના બીજા સપ્તાહ અને માર્ચના ત્રીજા સપ્તાહની વચ્ચે ભારતીય સ્માર્ટફોન યૂઝર્સે વાઈફાઈનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે. આ આંકડા સપ્તાહ દર સપ્તાહના રિપોર્ટ પર આધારિત છે. ભારતની સાથે સાથે અન્ય એશિયાઈ દેશો જેવા કે ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર અને વિયતનામમાં પણ વાઈફાઈનો ઉપયોગમાં એટલો વધારો નથી થયો.
એશિયાના અન્ય દેશો મલેશિયા, ફિલિપાઈન્સ, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં આ સમયગાળા દરમ્યાન વાઈફાઈના વપરાશમાં ખાસો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તર અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીના, પેરુ અને બ્રાઝિલમાં વાઈફાઈના ઉપયોગમાં અન્ય દેશોની સરખામણીએ ઘણો વધારો જોવા મળ્યો હતો.
