નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. બે સપ્તાહ પહેલા પોતાના લગ્ન માટે ચીનથી કેરળ પહોંચેલા એક વ્યક્તિને સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવાથી પોતાનો પ્રસંગ રદ્દ કરવો પડ્યો. કારણ કે વરરાજા જે હતો તેને કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા હતા અને બાદમાં તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, 3 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા, પરંતુ તેના એક દિવસ પહેલા જ સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવાથી લગ્ન બંધ રાખવા પડ્યા.
ભારતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે એશિયાના સૌથી મોટો ઓટોમોબાઈલ શોની શરુઆત થઈ ગઈ છે. અહીંયા લોકો માસ્ક પહેરીને આવતા નજરે પડ્યા હતા. તો મોટર શોમાં ચીનના લોકો ખૂબ ઓછા જોવા મળ્યા.
ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે અને તેને રોકવા માટે પીપલ્સ લિબરેશન આર્મી મોકલવામાં આવી છે. દર્દીઓની સારવારમાં સહાયક ભૂમિકા નિભાવવા માટે તેમને તેનાત કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના વધી રહેલા સંકટને ધ્યાને રાખતા 3 ફેબ્રુઆરી સુધી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 11,093 લોકોની તપાસ કરવામાં આવી હતી. જે લોકોની તપાસ કરવામાં આવી, તેમાંથી 107 લોકો મહારાષ્ટ્રના હતા, જેમાંથી 21 લોકોમાં કોરોના વાયરસ સમાન લક્ષણો દેખાયા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ચીનમાં કોરોના વાયરસના સંકટ મામલે ચીનની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પોતાના નાગરિકોને વાયરસથી બચાવવા માટે અમારું તંત્ર તમામ જરુરી પગલા ભરશે.
ચીનમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા આજે વધીને 492 જેટલી થઈ ગઈ છે. હુબેઈ પ્રાંતમાં વધુ 65 લોકોના મોત થયા છે. જ્યારે 24,000 થી વધારે લોકો ચેપી છે.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કુલ 354 જેટલા શંકાસ્પદ દર્દીઓની ઓળખ થઈ છે. બાદમાં સ્વાસ્થ્ય વિભાગે તેમને તેમના જ ઘરમાં હોમ આઈસોલેશન પર રાખવાની વ્યવસ્થા કરી છે. આ તમામ 354 લોકો ચીનથી ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓની દેખરેખ માટે એક ખાસ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.