નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 52 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 93,337 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1225 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 18 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 53,08,015 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 85,619 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 42,08,431 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,13,964 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.
દેશના GDPમાં દ્વિઅંકી ઘટાડો થવાની સંભાવના
ભારતમાં હવે કોરોના વાઇરસના દિન-પ્રતિદિન 90,000થી વધુ કેસ આવી રહ્યા છે. અર્થશાસ્ત્રી અને ADB જેવી વૈશ્વિક સંસ્થાઓએ GDP ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 24 ટકા ઘટ્યોછે. ત્યાર બાદ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગોલ્ડમેન સાક્સે ભારતનો GDPનો અંદાજ 15 ટકા નેગેટિવ રહેવાનો લગાવ્યો છે. ADB પણ ભારતનો GDP નવ ટકા ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે દેશનો GDP 10 ટકાથી વધુ ઘટવાનો અંદાજ માંડ્યો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
