NEET UG 2024 પરીક્ષાના પરિણામને લઈને વિવાદના વંટોળ છવાયા છે. ત્યારે આજે નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 25 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારથી 13, ઝારખંડથી 5, ગોધરાથી 5 અને લાતુરથી 2 આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પર CBIએ કબજો લઈ લીધો છે.
ત્યારે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં આઠમી મે રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે બીજી ટીમ ગોધરા પહોંચી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ‘એનટીએએ પાંચમી મે 2024ના રોજ ઓએમઆર મોદમાં નીટ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.’ ઉલ્લેખનીય છે કે ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલમાં પ્રવેશ માટે યોજાતી નીટની મહત્ત્વની પરીક્ષામાં પાસ કરવા માટે દશ લાખ લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે અંગે 8 મે, 2024ના રોજ શાળાના જ શિક્ષક અને સેન્ટરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ સહિત 3 સામે જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
