રાજસ્થાનની અજમેર શરીફની નીચે હિન્દુ મંદિરના દાવાથી વિવાદ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી ઇદગાહ મસ્જિદના સ્થાને મંદિર હોવાના દાવા પછી અને હિંસા પછી ભારે ગરમાવો છે. હવે રાજસ્થાનની પ્રાચીન અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના મામલે એક સ્થાનિક કોર્ટની નોટિસ બાદ માહોલ ગરમ થયો છે.

સ્થાનિક કોર્ટ તરફથી કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલય, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અજમેર દરગાહ સમિતિને નોટિસ જારી કરી છે.અજમેરની દીવાની અદાલતમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા એવી અરજી કરવામાં આવી છે કે અજમેર શરીફની દરગાહ જ્યાં બનાવવામાં આવી છે ત્યાં મૂળ તો એક શિવ મંદિર હતું. શિવ મંદિર તોડીને એના ઉપર દરગાહ બનાવવામાં આવી છે.

વાસ્તવમાં હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ એક પુસ્તકમાં કરાયેલા દાવાને આધારે આ અરજી કરી છે. વર્ષ 1911માં હરબિલાસ સારડા દ્વારા ‘અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ’ (અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક) નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું. 168 પાનાંના આ અંગ્રેજી પુસ્તકમાં ‘દરગાહ ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી’ નામનું એક અલગ પ્રકરણ છે, જેમાં આપવામાં આવેલી ખ્વાજાના જીવન અને તેમની દરગાહની વિગતોને આધારે ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે. 

શું છે પુસ્તકમાં?

આ પુસ્તકના પાના નં. 93 પર લખ્યું છે કે દરગાહના બુલંદ દરવાજામાં બનેલી ત્રણ માળની છત્રી કોઈ હિન્દુ ઈમારતના ટુકડાઓમાંથી બનાવવામાં આવી છે. છત્રીની રચના હિન્દુ શૈલીની લાગે છે. તેની સપાટી પર સુંદર કોતરણી કરવામાં આવી છે, જેને ચૂના અને રંગો વડે પૂરી દેવામાં આવી છે.

આ જ પુસ્તકના પાના નંબર 94 પર લખ્યું છે કે છત્રીમાં લાલ રંગના પથ્થરનો જે હિસ્સો છે એ કોઈ ધ્વસ્ત કરાયેલા જૈન મંદિરનો લાગે છે.

પાના નંબર 96 પર લખ્યું છે કે બુલંદ દરવાજા અને અંદરના આંગણાની વચ્ચેનો જે ભાગ છે એની નીચે મૂળ હિન્દુ મંદિરના ભોંયરા છે. ભોયરામાંના ઘણા ઓરડા હજુ પણ અકબંધ હાલતમાં જળવાયેલા છે. એવું લાગે છે કે મુસ્લિમ શાસકોની શરૂઆતના દિવસોમાં જ જૂના હિન્દુ મંદિર ઉપર આ આખી દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાના નંબર 97 પર લખ્યું છે કે ભોંયરાની અંદર એક મંદિર છે, જેમાં મહાદેવની મૂર્તિ છે. એના પર એક બ્રાહ્મણ પરિવાર દ્વારા દરરોજ ચંદન લગાવવામાં આવતું હતું.