કોંગ્રેસી નેતા નાના પટોલેએ કાર્યકર્તા પાસે પગ ધોવડાવતાં વિવાદ

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સોમવારે પાર્ટીના કાર્યકર્તાથી પોતાના કીચડવાળા પગ ધોવડાવ્યા પછી ટીકાઓના ઘેરામાં આવી ગયા છે. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિવાદ વધતાં પટોલેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ મામલે બિનજરૂરી વિવાદ થઈ રહ્યો છે અને તેમને લાગે છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી તેમને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પટોલે અકોલા જિલ્લાના વડગામમાં પાર્ટી ટેકેદાર દ્વારા કોંગ્રેસપ્રમુખના જન્મદિન પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા ગયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પટોલે એક સ્થાનિક સ્કૂલની પાસે સંત ગજાનન મહારાજની પાલખી યાત્રામાં પણ સામેલ થયા હતા. એ દરમ્યાન જમીન કીચડગ્રસ્ત હતી. તેઓ પણ અન્ય લોકોની સાથે કીચડ ભરેલા મેદાનમાં થઈને પાલખી સુધી ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના પગ કીચડવાળા હતા. જેથી તેમણે પગ સાફ કરવા માટે પાણી મગાવ્યું હતું.

ત્યાર બાદ તેમની પાર્ટીના કાર્યકર્તા વિજય ગુરવે પોતાના હાથોથી પટોલેના કીચડવાળા પગ ધોયા હતા.

મહારાષ્ટ્રના કોંગ્રેસપ્રમુખને પગ ધોતા કાર્યકર્તાને અટકાવ્યા પણ નહોતા અને પગ જાતે ધોવાની મહેનત પણ નહોતી કરી. પટોલેના પગ પક્ષના કાર્યકર્તા દ્વારા ધોવડાવવામાં આવતાં ભાજપે આકરી ઝાટકણી કાઢી હતી. પ્રવકતા શહજાદ પૂનાવાલે કોંગ્રેસ નેતાની ટીકા કરતાં તેમની પાસે માફી માગવાની વાત કરી હતી.

પૂનાવાલે પોસ્ટમાં લખ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા નવાબી સામંતી શહજાદાવાળી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ અકોલામાં એક પાર્ટીના કાર્યકર્તાથી પગ ધોવડાવ્યા. તેઓ જનતા અને કાર્યકર્તાઓથી ગુલામો જેવો વ્યવહાર કરે છે. કલ્પના કરો સત્તામાં આવી ગયા તો તેઓ કેવો વ્યવહાર કરે.