નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમ બન્યો છે. ત્યારે પક્ષપલટાનો પણ જાણે એક દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ઘણા નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. ત્યારે હરિયાણાથી કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા આજે ભાજપમાં જોડાયા છે. અરવિંદ શર્મા બે વાર સાંસદ રહી ચૂક્યા છે.
ભાજપમાં જોડાયા બાદ અરવિંદ શર્માએ કહ્યું કે મેં મારા દિલની વાત સાંભળી અને એટલે જ બીજેપીમાં જોડાયો છું. શર્માએ જણાવ્યું કે મને મારા નિર્ણય પર ગર્વ છે, અને પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે તે હું યોગ્ય રીતે નિભાવીશ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા અને ટીએમસી નેતા અર્જુન સિંહ પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને અત્યારે મોટો ફટકો પડ્યો છે.