નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીવાળા ડિસ્કવરીના જાણીતા શો ” મેન વર્સીઝ વાઈલ્ડ” નું ટીઝર સામે આવ્યાં બાદ કોંગ્રેસે કહ્યું કે સંબંધિત ચેનલને શૂટિંગવાળા દિવસના પોતાના પૂરા કાર્યક્રમને સાર્વજનિક કરવો જોઈએ જેથી ખ્યાલ આવે કે પુલવામા આતંકી હુમલાવાળા દિવસે મોદી કેટલાં વાગ્યાં સુધી શૂટિંગ કરતાં રહ્યાં.
પાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ સંસદ ભવન પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પુલવામા હુમલાના દિવસે અમે આ મુદ્દે કહ્યું હતું કે હુમલાના સમયે વડાપ્રધાન મોદી શૂટિંગમાં વ્યસ્ત હતાં. તેમણે કહ્યું કે શૂટિંગ બાદ પાંચ વાગ્યે વડાપ્રધાને ઉત્તરાખંડમાં એક જનસભાને સંબોધિત કરી હતી, પરંતુ તેમાં તેમણે ન તો પુલવામા હુમલાની નિંદા કરી અને ન તો શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
મનીષ તિવારીએ કહ્યું કે ડિસ્કવરી ચેનલને એ દિવસના પોતાના શૂટિંગનો કાર્યક્રમ સાર્વજનિક કરીને જણાવવો જોઈએ કે શૂટિંગ કેટલા વાગ્યા સુધી ચાલ્યું હતું જેથી વડાપ્રધાનની એ દિવસની દિનચર્યા વિશે માહિતી પ્રાપ્ત થઈ શકે. હકીકતમાં વડાપ્રધાન મોદી હવે જલ્દી જ ડિસ્કવરીના જાણીતા શો મેન વર્સીઝ વાઈલ્ડના એક એપિસોડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડ 12 ઓગષ્ટના રોજ પ્રસારિત કરવામાં આવશે. આ એપિસોડ 180 થી વધારે દેશોમાં ડિસ્કવરી નેટવર્કની ચેનલો પર દેખાડવામાં આવશે. ડિસ્કવરી ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ખાસ એપિસોડનું શૂટિંગ બેયર ગ્રિલ્સે ભારતના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં કહ્યું છે. આમાં સરળ અંદાજમાં વન્યજીવ સંરક્ષણ પર પ્રકાશ પાડવામાં આવશે.
બેયર ગ્રિલ્સે સોમવારના રોજ ટ્વિટર પર આનું ટીઝર શેર કર્યું. 45 સેકન્ડના આ ટીઝરમાં મોદી અને ગ્રિલ્સ જંગલમાં ફરતા અને રબરની નૌકામાં બેઠેલા દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું કે ઘણા વર્ષો સુધી હું પ્રકૃતિ વચ્ચે, પહાડો અને જંગલોમાં રહ્યો છું. એ દિવસોની મારા જીવન પર ઉંડી અસર પડી છે. એટલા માટે જ્યારે મને રાજનીતિથી પર જીવન પર આધારિત આ ખાસ એપિસોડમાં ભાગ લેવા માટે પૂછવામાં આવ્યું અને એપણ પ્રકૃતિની વચ્ચે ત્યારે હું આમાં ભાગ લેવા માટે ખૂબ ઈચ્છુક હતો.