નવી દિલ્હીઃ ભાજપના વિર સાવરકરને ભારત રત્ન આપવાના વાયદાની ટીકા બાદ હવે કોંગ્રેસે ભગત સિંહને ભારત રત્ન આપવાની માંગ તેજ કરી દીધી છે. આનંદપુર સાહેબથી સાંસદ અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ભગત સિંહ, રાજગુરુ, અને સુખદેવને ભારત રત્ન આપવાની માંગ કરી છે. સાથે જ ચંદીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામ પર કરવાની માંગ કરી છે.
મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરતા લખ્યું કે મેં સુખદેવ અને રાજગુરુને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગ કરતો પત્ર વડાપ્રધાન મોદીને મોકલ્યો છે. સરકાર ઔપચારિક રીતે તેમને શહીદ-એ-આઝમનું સમ્માન આપે અને ભગત સિંહની યાદમાં મોહાલીમાં આવેલા ચંડીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામે રાખવામાં આવે.
મનીષ તિવારીએ 26 જાન્યુઆરી, 2020ના રોજ આ ત્રણેયને ભારત રત્ન આપવાની માગ કરી છે. તે અગાઉ પણ તેમણે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કર્યો હતો.