મથુરાઃ દેશમાં રક્ષાબંધનથી તહેવારોની ઉજવણી શરૂ થઈ છે, પણ રક્ષાબંધન ક્યારે ઊજવવી એ વિશે મતમંતાતર હતા, એમ ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્મી અંગે પણ કન્ફ્યુઝન છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ ઊજવવામાં આવે છે, જ્યારે ગુજરાતી તિથિ મુજબ શ્રાવણ માસની વદ આઠમે ઊજવવામાં આવે છે, જોકે આ વખતે જન્માષ્ટમીની બે તિથિ છે. ચાલો જાણીએ જન્માષ્ટમી ઊજવવાની સાચી તિથિ અને સમય કયો છે.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ થયો હતો અને એ સમયે રોહિણી નક્ષત્ર હતું અને રાત્રિનો સમય હતો. અનેક વાર જન્માષ્ટમી માટે અષ્ટમી તિથિનો પ્રારંભ અને સમાપનના સમયની સાથે રોહિણી નક્ષત્રની સ્થિતિ જોવામાં આવે છે. એને જોતાં જન્માષ્ટમી ઊજવવાની તારીખ ને સમય નક્કી કરવામાં આવે છે.
જન્માષ્ટમી છ કે સાત સપ્ટેમ્બરે?
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષએ છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરે 3.37 મિનિટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે અને એ સાત સપ્ટેમ્બરની સાંજે 4.14 કલાક સુધી રહેશે. આવામાં ઉદયાતિથિ અનુસાર અષ્ટમી તિથિ સાત સપ્ટેમ્બરની છે. એ દિવસે રાતના સમયે રોહિણી નક્ષત્ર નહીં હોય.
જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરે રોહિણી નક્ષત્ર સવારે 9.20 કલાકથી 7. સપ્ટેમ્બરે 10.25 કલાક સુધી રહેશે. આવામાં અષ્ટમી તિથિ ને રોહિણી નક્ષત્રનો સંયોગને જોઈએ તો છઠ્ઠી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનું વ્રત રાખવું યોગ્ય રહેશે. એ સાથે એ રાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પણ ઊજવી શકાય છે.