CM યોગીનો કાંવડ યાત્રા રૂટ પર દુકાનોનાં નામ લખવાનો આદેશ

લખનૌઃ CM યોગી આદિત્યનાથે કાંવડ યાત્રીઓ માટે રાજ્યમાં કાંવડ માર્ગો પર ખાણીપીણીની દુકાનોમાં નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે. દુકાનો પર સંચાલક માલિકનું નામ ફરજિયાત લખવાનું રહેશે. એ સાથે તેણે પોતાની ઓળખ વિશે જણાવવાનું રહેશે. આ નિર્ણય યાત્રીઓની આસ્થાને બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. એ સાથે હલાલ સર્ટિફિકેશનવાળી પ્રોડક્ટ વેચનારા પર કાર્યવાહી કરવામાં આવશે.

ભગવાન શિવના ભક્તો પ્રતિ વર્ષ કાંવડ યાત્રા પર જાય છે. એ પવિત્ર યાત્રા શ્રાવણ મહિનામાં શરૂ થાય છે. આ યાત્રામાં કાંવડિયાઓ ભગવાં વસ્ત્રો પહેરીને યાત્રા કરે છે. આ વર્ષે એ પવિત્ર યાત્રા 22 જુલાઈ, 2024એ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, કેમ કે મોટા ભાગના લોકો આ બંને રાજ્યોમાંથી કાંવડ લઈને પસાર થાય છે. એને લીધે સરકાર ભક્તોની સુવિધા માટે દરેક સુવિધા કરે છે.

રાજ્યમાં કાંવડ યાત્રા દરમ્યાન હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવા માટે એક એડવાઇઝરી જારી કરી છે. એક મહિનો ચાલનારી કાંવડ યાત્રા દરમ્યાન DJ અને ધાર્મિક ગીતો નક્કી સમયમર્યાદાની અંદદ વગાડવામાં આવશે. ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. આ સિવાય 21 જુલાઈની મધ્ય રાત્રીથી દિલ્હી એક્સપ્રેસવે અને ચૌધરી ચરણ સિંહ કાંવડ માર્ગ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.  જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કાંવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ પ્રકારનો એક નવો આદેશ જારી કરાયો છે. જેના લીધે આ વખતે કાંવડ યાત્રામાં ખાણી-પીણીની દુકાન, હોટેલ, ઢાબા, લારી વગેરે જ્યાંથી પણ શિવભક્ત કાંવડિયા ખાવાની વસ્તુ ખરીદી શકે તે માટે ધંધાર્થી કે દુકાન માલિકોને નિર્દેશ અપાયો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઇટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂરથી લખે.