બઠિંડા- ભારતીય વાયુસેનાના એક ટોચના અધિકારીએ વડાપ્રધાન મોદીના બાલાકોટ એરસ્ટ્રાઈકને લઈને રડારવાળા નિવેદનનું સમર્થન કર્યું છે. એર માર્શલ રઘુનાથ નામ્બિયરે કહ્યું કે, વડાપ્રધાનની એ વાત સાચી છે કે, ખૂબ જ ઘેરા વાદળો હોય તેવી સ્થિતિમાં અમુક અંશે રડાર યોગ્ય માહિતી નથી આપી શકતાં.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વાદળોને કારણે રડાર યોગ્ય રીતે કામ નથી કરી શકતા, જેથી એર સ્ટ્રાઈક માટે આ સમય પસંદ કરવામાં આવ્યો. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અજય આહુજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બઠિંડા પહોંચેલા એર ચીફ માર્શલ બીએસ ધનોઆ અને એર માર્શલ રઘુનાથ નામ્બિયરે સમાચાર એજન્સી એએનઆઈને આ જાણાકારી આપી હતી.
મહત્વનું છે કે, હાલમાં જ આર્મી ચીફ બિપિન રાવતે પણ વડાપ્રધાન મોદીના નિવેદનનું સમર્થન કર્યું હતું. રાવતે કહ્યું હતું કે, અનેક પ્રકારના રડાર એક સાથે સક્રિય હોય છે. તમામ રડારમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કેટલાક રડાર પોતાના કામ કરવાની પદ્ધતિના કારણે વાદળોની પાર નથી જોઈ શકતા. જ્યારે કેટલાકમાં વાદળો અને ભારે વરસાદની વચ્ચે પણ વિમાન ડિટેક્ટ કરવાની ક્ષમતા હોય છે.
ભિસિયાના એરફોર્સ સ્ટેશન પર સમાચાર એજન્સી સાથે વાતચીતમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે, રફાલ લડાકુ વિમાન ભારતીય વાયુ સેના માટે ગેમ ચેન્જર સાબિત થશે. વાયુસેનાને રફાલના બે સ્ક્વોડ્રોન મળશે.
આની મદદથી ભારતીય વાયુસેના ઘણી એડવાન્સ થઈ જશે. વાયુસેનાની તાકાત અંગે ધનોઆ એ કહ્યું કે, સુખોઈ-એમ30, તેજસ અને રફાલ ટૂંક સમયમાં જ જૂના વિમાનોને રિપ્લેસ કરી દેશે. હાલમાં અમારુ મુખ્ય યુદ્ધ વિમાન મિગ-21 બાયસન છે. જેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ જૂના મિગ-21ની તુલનામાં વધુ સારી રીતે કામગીરી આપી શકે છે.