નવી દિલ્હી:અયોધ્યા મામલે સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ ફરી એક વખત કહ્યું કે, 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ થવી જરૂરી છે. જો ચાર સપ્તાહની અંદરમાં અમે નિર્ણય આપી દીધો તો એ એક ચમત્કાર હશે. પણ જો 18 ઓક્ટોબર સુધી સુનાવણી પૂર્ણ ન થઈ તો કોઈ પણ નિર્ણય પર પહોંચવું સંભવ નહીં થઈ શકે. સાથે જ સીજેઆઈ એ કહ્યું કે, આજનો દિવસને ગણતા સુનાવણી અને નિર્ણય માટે આપણી પાસે સાડા દસ દિવસનો સમય છે. 18 ઓક્ટોબર પછી એક પણ દિવસ વધારાનો નથી જેથી પક્ષકારો આ જ સમય સીમાની અંદર સુનાવણી પૂર્ણ કરે.
હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે, જવાબ આપવા માટે 3થી 4 દિવસનો સમય જોશે. કોર્ટે રાજીવ ધવનને પૂછ્યું કે, સૂટ નં 4 પર દલીલ કરવા માટે 2 દિવસ પર્યાપ્ત છે? ધવને કહ્યું કે, અમે શનિવારે પણ દલીલ કરી શકીએ છીએ.
મહત્વનું છે કે, આ પહેલા પણ સીજેઆઈ રંજન ગોગોઈ આ પ્રકારનું જ નિવેદન આપ્યું હતું. 18 સપ્ટેમ્બરે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, તમામ પક્ષોએ સંયુક્ત પ્રયાસ કરવો પડશે અને પક્ષકાર સમજૂતી કરી કોર્ટને જણાવે. આ સાથે તેમણે આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી.
સીજીઆઈએ કહ્યું હતું કે, 18 ઓક્ટોબરે સુનાવણી પૂર્ણ થઈ જાય તો ચુકાદો લખવા માટે જજોને ચાર સપ્તાહનો સમય મળશે. સુપ્રીમે એમ પણ કહ્યું હતુ કે, જો પક્ષકાર આ મામલે મધ્યસ્થતા સહિત અન્ય રીતે સેટલ કરવા ઈચ્છે તો કરી શકે છે. પક્ષકાર સમજૂતી કરી અદાલતને જણાવે.