હવે સનદી સેવાઓના માળખામાં સરકાર લાવી રહી છે બદલાવ…

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર, સરકારી નોકરીઓમાં બદલાવ લાવવાની તૈયારીમાં છે. યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવી નોકરીઓના માળખામાં બદલાવ કરી શકે છે. આના માટે કેન્દ્રએ તમામ મંત્રાલયોને સેવાઓની એક વિસ્તૃત યાદી બનાવવા અને તેને ડીઓપીટીને સોંપવા માટે જણાવ્યું છે.

સરકાર જૂની વ્યવસ્થામાં બદલાવ કરીને તેને વર્તમાન સમય અનુસાર બનાવવાના પ્રયત્નોમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યને એપ્રિલ 2020 સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ડીઓપીટીએ કહ્યું કે, નીતિ, સર્વિસ પ્રોફાઈલ, કેડર, પોસ્ટને નવી રીતે બનાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે.

મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, તમામ મંત્રાલયો અને વિભાગોને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી તમામ સેવાઓ, પોસ્ટ, કેડર સાથે જોડાયેલી જાણકારી આપી દે. ગત 30 વર્ષોમાં પહેલીવાર જૂની વ્યવસ્થામાં બદલાવ અને સરકારી પદો અને સેવાઓની બીજીવાર તપાસ કરવામાં આવી રહી છે.

ડીઓપીટીના એક અધિકારીએ જણાવ્યું કે, આની પાછળ સરકારનો વિચાર નિષ્ક્રિય પદોને હટાવીને તેના સ્થાને વર્તમાન સમય અનુસાર જે પદની જરુર છે, તેને સ્થાપિત કરવાની છે. સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે કે જ્યારે થોડા દિવસ પહેલા જ ડીઓપીએ પોતાના પાંચ વર્ષના વિઝન ડોક્યુમેન્ટમાં લોક સેવાઓ મામલે પ્રસ્તાવ આપ્યો હતો.

સરકારી સેવાઓ મામલે જાણકારી પ્રાપ્ત કરવા માટે ડીઓપીટીએ તમામ મંત્રાલયો પાસેથી વિસ્તૃત જાણકારી માંગી છે. જેમાં સેવાનું નામ, સેવાની જવાબદારી કોના હાથમાં છે, સેવા ક્યારે શરુ થઈ, ગત વખતે સેવામાં કયા પ્રકારના બદલાવ કરવામાં આવ્યા, તેની સંરચના, અધિકારીઓની જવાબદારીઓનો સમાવેશ થાય છે.

મંત્રાલયોથી નિયુક્તિની પદ્ધતી શું છે, નિયુક્તિની યોગ્યતા કઈ રહે છે, પદોન્નતી સાથે જોડાયેલા શું નિયમો છે, વગેરે વિશે પણ જાણકારી માંગવામાં આવી છે. આ સીવાય કેડરની સંરચના, નિયુક્તિ કયા પ્રકારે થાય છે, પદોને કેવી રીતે ભરવામાં આવે છે, પે સ્કેલ, કેડરમાં પોસ્ટ કેટલી હોય છે, ગત વખતે અધિકારીઓને ક્યારે પ્રમોશન મળ્યું હતું, કુલ ખાલી પદો કેટલા છે, વગેરે મામલે પણ જાણકારી માંગવામાં આવી છે. આ ધિકારીઓને એકત્ર કરીને પ્રશિક્ષણ, પદોન્નતી સાથે જોડાયેલી જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે.