ચંડીગઢઃ સાધ્વી યૌન શોષણ મામલે સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં સીબીઆઈની વિશેષ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ જૂના આ મામલે કોર્ટમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજાનો ચૂકાદો આપ્યો હતો..
આ મામલે રામ રહીમ સીવાય ત્રણ અન્ય દોષિતો કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. આ સીવાય તમામને 50 હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આપને જણાવી દઈએ કે કોર્ટે હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલી અરજી બાદ સજાની જાહેરાત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી. સજાની જાહેરાત પહેલા સીબીઆઈએ કોર્ટ સમક્ષ ગુરમીત રામ રહીમને ફાંસી આપવાની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી અને ચૂકાદાને ધ્યાને લઈને પંચકૂલામાં હિંસાની વાતને ધ્યાનમાં રાખતાં પંજાબ અને હરિયાણામાં સુરક્ષા વ્યવસ્થાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સિક્યોરીટીને ધ્યાને રાખતા સુરક્ષાદળ દરેક જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા છે જેથી કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાને પહોંચી વળાય.