એક જુલાઈથી નાણાકીય લેવડદેવડના કેટલાય નિયમોમાં મોટા ફેરફાર થવાના છે અને એની સીધી અસર તમારા ખિસ્સાં પર પડશે. આમાં ATMથી રોકડ કાઢવાથી માંડીને PF એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલા નિયમો સામેલ છે. કોરોના વાઇરસ સંકટને કારણે સરકારે કેટલાય પ્રકારની છૂટ આપી હતી, જેનો સમયગાળો 30 જૂને પૂરો થઈ ગયો છે. આવો જાણીએ આ ફેરફારો વિશે, જે તમને સીધા અસર કરશે.
PF એકાઉન્ટમાં એડવાન્સની છૂટ
કોવિડ-19 સંકટને કારણે EPFOએ એકાઉન્ટહોલ્ડર્સને એક નિશ્ચિત રકમ (જમા રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાનો પગાર + DAના બરાબર- જે ઓછી હોય) ઉપાડવાની છૂટ આપી હતી. આ સમયગાળો 30 જૂને પૂરો થઈ ગયો.
ATM વ્યવહારો પર નહીં મળે છૂટ
એક જુલાઈથી બધી બેન્કોના ખાતાધારકોને ATMથી રોકકડ ઉપાડવા માટે કોઈ પણ પ્રકારની છૂટ નહીં મળે. પહેલાંની જેમ તેઓ મહાનગરોમાં આઠ અને નાનાં શહેરોમાં 10 વ્યવહારો જ કરી શકશે. SBIના ગ્રાહકો માટે ATMથી ઉપાડ મોંઘો થશે.
મ્યુચ્યુઅલ ફંડની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે
એક જુલાઈથી જો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ખરીદો તો તમારે એના પર સ્ટેમ્પ ડ્યુટી આપવી પડશે. જો તમે SIP અથવા STPની ખરીદી કરી તો તમારે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે.
PNB સેવિંગ્સ એકાઉન્ટમાં ઓછું વ્યાજ
પંજાબ નેશનલ બેન્કે સેવિંગ્સ ખાતા પર મળતા વ્યાજમાં 0.50 ટકાનો કાપ મૂક્યો છે. એક જુલાઈથી સેવિંગ્સ ખાતા પર વધુમાં વધુ 3.25 ટકા અને 50 લાખ રૂપિયાના બેલેન્સ પર ત્રણ ટકા વ્યાજ મળશે.
મિનિમમ બેલેન્સ
સરકારે 30 જૂન સુધી બેન્ક ખાતાઓમાં મિનિમમ બેલેન્સ રાખવાની છૂટ આપી હતી, જે હવે નહીં મળે. હવે ખાતાધારકોએ બેન્કોના હિસાબથી પોતાના ખાતામાં મિનિમમ બેલન્સ જાળવવું પડશે. અન્યથા તેમણે દંડ ભોગવવો પડશે.
LPG રાંધણ ગેસની કિંમત
તેલ માર્કેટિંગ કંપની પ્રતિ મહિને પહેલી તારીખે LPG ગેસ સિલેન્ડર અને હવાઈ ઈંધણની નવી કિંમતોની જાહેરાત કરી છે. પાછલા કેટલાક મહિનાઓથી આમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વખતે પણ વધારો થયો છે.
સબકા વિશ્વાસ યોજનાનો નહીં મળે લાભ
સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય એક્સાઇઝથી જોડાયેલા લાંબા સમયથી વિવાદિત મામલાઓમાં સમાધાન માટે રજૂ કરવામાં આવેલી સબકા વિશ્વાસ યોજનામાં ચુકવણીની ડેડલાઇન 30 જૂન હતી. એક જુલાઈથી આ યોજનાનો લાભ નહીં મળે.
કંપનીઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન સરળ થયું
એક જુલાઈથી નવી કંપનીઓ શરૂ કરવાનું સરળ થઈ ગયું છે. ઘેરબેઠા માત્ર આધાર કાર્ડ દ્વારા કંપનીનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
માસિક ઓટો ડેબિટ શરૂ થઈ જશે
અટલ પેન્શન યોજના માટે માસિક ઓટો ડેબિટ શરૂ થઈ જશે. ઓટો ડેબિટની પ્રક્રિયાને 30 જૂન સુધી અટકાવવામાં આવી હતી.