ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર હજુ સુરક્ષિત સ્થિતિમાં છે….

નવી દિલ્હી- ચંદ્રયાન-2 ને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી મળી છે. મિશન સાથે જોડાયેલ ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે, વિક્રમ લેન્ડર પૂર્વ નિર્ધારીત જગ્યાની નજીકમાં જ લેન્ડ થયું છે. ખાસ વાત એ છે કે, વિક્રમ લેન્ડરમાં કોઈ ભાંગતૂટ નથી થઈ પરંતુ વિક્રમ ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કર્યું છે અને ઓર્બિટરના કેમેરા દ્વારા જે તસવીર મળી છે તેમાં જોઈ શકાય છે કે, વિક્રમ તેના નિર્ધારીત સ્થળની એકદમ નજીક જ લેન્ડ થયું છે. જોકે, વિક્રમનો સમગ્ર ભાગ હજુ સુરક્ષિત હોવાનું મનાઈ છે.

ઓર્બિટર દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી બાદ ઈસરોના પૂર્વ ચીફ માધવન નાયરે કહ્યું કે, વિક્રમ લેન્ડરનો ફરી વખત સંપર્ક થવાની હજુ પણ 60થી 70 ટકા સંભાવના છે. ઈસરોના અન્ય એક અધિકારીનું માનવું છે કે, વિક્રમનો એક પણ ભાગ ખરાબ થયો હશે તો સંપર્ક કરવો શક્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, સંપર્ક થવાની શક્યતા ઘણી ઓછી છે કારણ કે, વિક્રમે સોફ્ટ-લેન્ડિંગ કર્યું હોય અને યોગ્ય રીત કામ કરી રહ્યું હોય તો અત્યાર સુધીમાં સંપર્ક થઈ ગયો હોત.

 

એન્ટિના પર છે મોટો મદાર

વિક્રમનું એન્ટિના યોગ્ય દિશામાં હશે તો કામ સરળ બની જશે. એન્ટિના ગ્રાઉન્ડ સ્ટેશન અથવા તો ઓર્બિટર તરફ હશે તો સંપર્ક થવાની શક્યતા વધી જશે. આ પ્રકારના ઓપરેશન ઘણાં મુશ્કેલ હોય છે. હજુ પણ આશા અમર છે. અધિકારીએ જણાવ્યું કે, અમને જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ખોવાયેલા એક સ્પેસક્રાફ્ટને શોધવાનો અનુભવ છે, પરંતુ ચંદ્ર પર આ પ્રકારની ઓપરેશન ફ્લેક્સિબિલિટી નથી. વિક્રમ ચંદ્રની ધરતી  હોવા છતાં અમે તેનું હલન ચલન નથી કરાવી શકતા. વિક્રમ ઉર્જાનો વ્યય કરી રહ્યું છે એ ચિંતાનો વિષય નથી કારણ કે એમાં સોલર પેનલો લાગેલી છે અને વિક્રમની અંદર લગાવેલી બેટરીનો પણ ઉપયોગ નહીવત જ થયો જેથી એ લાંબી ચાલી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ લેન્ડર સાથે તેની અંદર રહેલા પ્રજ્ઞાન રોવરના ભવિષ્ય પર પણ સૌની નજર છે. અગાઉનો પ્લાન એવો હતો કે રોવર પ્રજ્ઞાન વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને 14 દિવસ ટલે કે 1 લ્યૂનર ડેના પોતાના જીવનકાળ દરમિયાન 500 મીટર સુધી ચંદ્રની સપાટી પર ચાલવાનું હતું. તેનું કામ ચંદ્રની સપાટીની તસવીરો અને વિશ્લેષણના યોગ્ય આંકડા એકઠા કરવાનું હતું. તે વિક્રમ અને ઓર્બિટર દ્વારા 15 મિનિટમાં ધરતીને કોઈપણ માહિતી મોકલી શકે તેમ હતું. 27 કિલો વજન ધરાવતું પ્રજ્ઞાન 6 પૈડાવાળું એક રોબોટિક વાહન છે.

ચંદ્રયાન 2નું ઓર્બિટર સંપૂર્ણપણે ઠીક છે, અને તે 100 કિમીની ઉંચાઈ પરથી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તે સાડા સાત વર્ષ સુધી એક્ટિવ રહેશે અને ધરતી પર ચંદ્રની હાઈ રિઝોલ્યુશન તસવીરો તેમજ મહત્વનો ડેટા મોકલશે. તેના પર કેમેરા સહિત 7 ઉપરકરણો લગાવાયા છે. તેના કેમેરા અત્યારસુધીના કોઈપણ મૂન મિશનમાં ન વપરાયા હોય તેવા શક્તિશાળી છે. ઓર્બિટર આગામી બે દિવસમાં જ તે લોકેશન પરથી પસાર થશે, જ્યાં વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો હતો. હવે તે અહીંથી પસાર થશે ત્યારે હાઈ રિઝોલ્યૂશન તસવીર લઈ શકે છે. આગામી 12 દિવસમાં લેન્ડરની સ્થિતિને લઈને તમામ સવાલોનો જવાબ મળી જશે.