બેંગલુરુ – ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ના વિજ્ઞાનીઓએ આજે એક વધુ અને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રની ધરતીનો અભ્યાસ કરવા માટે એમણે ચંદ્ર પર મોકલેલા માનવરહિત અવકાશયાન ચંદ્રયાન-2 પરનું લેન્ડર-રોવર, જેને ‘વિક્રમ લેન્ડર’ નામ આપવામાં આવ્યું છે તે આજે ઓર્બિટરથી સફળતાપૂર્વક અલગ થયું છે. આ સિદ્ધિ આજે બપોરે 1.15 વાગ્યે હાંસલ થઈ હતી. હવે આ વિક્રમ લેન્ડર સાથે ચંદ્રયાન-2 આવતી 7 સપ્ટેંબરે ચંદ્ર પર દક્ષિણ તરફની બાજુની ધરતી પર ભારતીય સમય મુજબ મધરાત બાદ અને વહેલી સવારે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે ઉતરાણ કરવાનું છે, જેને સોફ્ટ લેન્ડિંગ નામ આપવામાં આવ્યું છે.
હવે લેન્ડર વિક્રમ ચંદ્ર ગ્રહની ફરતે સ્વતંત્ર રીતે ઘૂમે છે. લેન્ડર અને ઓર્બિટરનો હવે અલગ અલગ રીતે કન્ટ્રોલ થશે. ચંદ્રયાન-2 સાતમી સપ્ટેંબરે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાનું છે.
ચંદ્રયાન-2 ઓર્બિટર પરની તમામ સિસ્ટમ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે અને લેન્ડર વિક્રમ પણ એકદમ સ્વસ્થ હાલતમાં છે, એમ ઈસરો તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે.
લેન્ડર અને ઓર્બિટરનું મોનિટરિંગ બેંગલુરુમાં ઈસરો ટેલીમેન્ટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ખાતે મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સમાંથી કરવામાં આવી રહ્યું છે.
હવે ઈસરો સ્થિતિ વિજ્ઞાનીઓ લેન્ડર-રોવરને ચંદ્રની કક્ષામાં 100 કિ.મી. નીચેની તરફ મૂકશે.
આજનું લેન્ડર-ઓર્બિટર સેપરેશન મહત્ત્વનું એટલા માટે છે કે ચંદ્રયાન-2 પરની તમામ સિસ્ટમ્સ ભારતે સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવી છે અને તે સફળ થઈ છે.
ચંદ્રયાન-2 અવકાશયાન ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે – પ્રજ્ઞાન રોવર, વિક્રમ લેન્ડર અને ઓર્બિટર.
ચંદ્ર ગ્રહ પર દક્ષિણી ધ્રુવ પરની ધરતી પર લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બનશે. હજી સુધી રશિયા, અમેરિકા, ચીનનાં અવકાશયાનો પણ દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરી શક્યા નથી. જ્યારે ચંદ્રમા પર ઉતરાણ કરનાર ભારત આ 3 દેશ ઉપરાંત ચોથો દેશ બનશે.
ચંદ્ર ગ્રહની સપાટી પર લેન્ડર ઉતરાણ કરશે તે પછી એમાંથી પ્રજ્ઞાન નામનું રોવર (રોબોટ) બહાર નીકળશે. પોતાના છ પૈડાં પર ફરીને રોવર ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક સંશોધન-પ્રયોગ કરશે. આ રોબોટ રોવર પૃથ્વી પર ઈસરો સ્થિત વિજ્ઞાનીઓને મહત્ત્વની જાણકારી મોકલશે, જેનો વિજ્ઞાનીઓ અભ્યાસ કરશે.