‘સ્વચ્છ ભારત’ ઝુંબેશ માટે પીએમ મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અમેરિકામાં આપશે એવોર્ડ

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક વધુ જાગતિક એવોર્ડ મળવાનો છે. આ એવોર્ડ એમને આપશે અમેરિકાની પ્રતિષ્ઠિત અને સખાવતી સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન. સ્વચ્છતાના ક્ષેત્રમાં મોદીએ આપેલા યોગદાનની કદરરૂપે એમનું આ બહુમાન થવાનું છે.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત એ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારનું મુખ્ય મિશન બન્યું છે.

સ્વચ્છ ભારત કે ક્લીન ઈન્ડિયા એ વડા પ્રધાન મોદીની મહત્ત્વાકાંક્ષી દેશવ્યાપી ઝુંબેશ બની છે જેને દેશભરમાં વ્યાપક રીતે જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ઠેર ઠેર રસ્તાઓ, રેલવે સ્ટેશનો, સરકારી ઈમારતો સ્વચ્છ જોવા મળી રહ્યા છે.

કેન્દ્રના ઈશાન ભારત વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અને વડા પ્રધાન કાર્યાલય માટેના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જિતેન્દ્ર પ્રસાદે એમના ટ્વિટર પર સંદેશો પોસ્ટ કરીને મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સંસ્થા તરફથી એવોર્ડ મળવાની જાહેરાત કરી છે. આ એવોર્ડ મોદી જ્યારે અમેરિકાની મુલાકાતે જશે ત્યારે એમને એનાયત કરવામાં આવશે.